26 October, 2026 01:50 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
૧૬.૫ કિલોનાં ઝૂમખાં
દુબઈમાં ૧૬.૫ કિલો વજનનાં સોનાનાં ઝૂમખાંની એક જોડીએ બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે. ભારતીય જ્વેલરી કંપની જૉયલુક્કાસ જ્વેલરીએ આ ઝૂમખાં તૈયાર કર્યાં છે. કંપનીએ આ ઝૂમખાં દ્વારા દુનિયાનાં સૌથી ભારે અને સૌથી મોટાં ઝૂમખાંનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ ઝૂમખાં બાવીસ કૅરૅટ સોનાથી બન્યાં છે. મયૂર સહસ્ર નામ ધરાવતાં આ ઝૂમખાં ૨૪ ઑક્ટોબરે દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ ગણાતા જ્વેલ ઑફ જૉય શોરૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. મયૂર સહસ્રનો અર્થ થાય ૧૦૦૦ મોર. ભારતીય સંસ્કૃતિમાં મોરને સુંદરતા અને શાલીનતાનું પ્રતીક માનવામાં આવે છે એટલે ઝૂમખાંની ડિઝાઇન મોરથી પ્રેરિત છે. આ ઝૂમખાં તૈયાર કરવા માટે પંચાવન કુશળ કારીગરોએ મહિનાઓ સુધી મહેનત કરી હતી. એના ઘડામણમાં કારીગરોને કુલ ૫૮૪૦ કલાક લાગ્યા હતા. ઝૂમખાંની લંબાઈ ૧.૨૧૫ મીટર એટલે કે લગભગ ૪ ફુટની છે અને વ્યાસ ૦.૬૮૨ મીટર છે. આ ઝૂમખાં જોવા હોય તો દુબઈના જ્વેલ ઑફ જૉય બાય જૉયલુક્કાસના શોરૂમમાં સ્થાયીરૂપે પ્રદર્શન માટે રાખવામાં આવ્યાં છે.