જજની ટિપ્પણી: શું ડૉક્ટરે સ્થાયી આવક વિના લગ્ન કરવાં જોઈએ? જૉબ વિના લગ્ન તો માત્ર વકીલો જ કરી શકે

04 April, 2025 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિશ્ચિત આવક ન ધરાવતા પુરુષે લગ્ન ન કરવાં જોઈએ

જજ

સામાન્ય રીતે છોકરો ભણીગણીને કમાતો થાય એ પછી જ લગ્ન કરીને પોતાનો સંસાર માંડવાનું વિચારે આ સામાજિક વિચાર છે, પણ શું કાનૂન પણ એવું જ કહે છે? શું ચોક્કસ જૉબ અને નિશ્ચિત આવક ન ધરાવતી વ્યક્તિને લગ્ન કરવાનો હક કાનૂન નથી આપતો? તાજેતરમાં કોર્ટરૂમનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે એમાં જે રીતે જજસાહેબ હળવાશના ટોનમાં વકીલને સવાલ પૂછે છે એના પરથી તો એવું જ લાગે છે કે નિશ્ચિત આવક ન ધરાવતા પુરુષે લગ્ન ન કરવાં જોઈએ. @shoneekapoor નામના ટ્વિટર અકાઉન્ટ પર મુકાયેલા વિડિયોમાં જજ પૂછે છે, ‘શું તમારી પાસે કોઈ જૉબ નથી?’

સામે વકીલ કહે છે, ‘ના સાહેબ, મેં લખ્યું છે કે જ્યારે પણ મને બોલાવવામાં આવે ત્યારે હું જઉં છું અને ડૉક્ટર તરીકેની સર્વિસ આપું છું.’

જજ કહે છે, ‘તમે તમારી આવક બાબતે શું કહ્યું હતું?’

વકીલ કહે છે, ‘સર, મેં કહેલું કે મારી પાસે અત્યારે કોઈ જૉબ નથી. જ્યારે મને બોલાવવામાં આવે ત્યારે જ. એ જૉબ હતી.’ 

તો જજ કહે છે, ‘તમે ડૉક્ટર છો. માત્ર વકીલોને જ હક છે સ્થાયી આવક વિના લગ્ન કરવાનો. ડૉક્ટરને એ હક નથી. જો તમારી પાસે આવક નથી તો તમે લગ્ન કેમ કર્યાં?’ ભલે, આ સંવાદ જજ દ્વારા હળવાશમાં કે કટાક્ષમાં કહેવાયો હોય, પરંતુ આવક ન ધરાવતા પુરુષને લગ્ન કરવાનો હક ન હોય એવું કાનૂન કહે એ જરા વધુપડતું જ નથી કહેવાતું? સોશ્યલ મીડિયા પર આ મજાકિયા વિડિયોએ પણ ગંભીર વિવાદનું સ્વરૂપ પકડી લીધું છે.

offbeat news social media national news india