08 December, 2025 02:39 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
નાનકડા ગામમાં હેલિકૉપ્ટર આવ્યું તે જોઈ સૌ આશ્ચર્યમાં મુકાયા હતા
કાનપુર પાસેના રસૂલાબાદ ગામમાં અમરસિંહ નામના ખેડૂતની દીકરી પ્રતિમાનાં લગ્ન દિલ્હીમાં રહેતા વિકાસ નામના યુવક સાથે થયાં હતાં. અમરસિંહને ત્રણ સંતાનો છે અને એમાં સૌથી મોટી દીકરી પ્રતિમા છે. તેણે લખનઉથી ટેક્નૉલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. તે હાલમાં બૅન્ગલોરમાં કામ કરે છે. તેણે ઑનલાઇન મૅટ્રિમોનિયલ વેબસાઇટ પરથી પોતાના માટે દુલ્હો શોધી લીધો હતો. વિકાસ પણ સૉફ્ટવેર એન્જિનિયર છે અને દિલ્હીમાં ડ્રોન બનાવતી કંપનીમાં ઊંચા હોદ્દા પર છે. ચોથી ડિસેમ્બરે તેમણે પૂરા રીતરિવાજ સાથે લગ્ન કર્યાં અને એ પછી પ્રતિમાની વિદાયનો કાર્યક્રમ તેના રસૂલાબાદના ઘરેથી કરવાનો હતો. એ વખતે દુલ્હો હેલિકૉપ્ટર લઈને ગામમાં પહોંચ્યો હતો અને પત્નીને પિયરથી વિદાય કરીને દિલ્હી લઈ ગયો હતો. નાનકડા ગામમાં હેલિકૉપ્ટરથી કન્યાને લેવા માટે આવેલા દુલ્હાને જોઈને સૌ દંગ રહી ગયા હતા.