23 September, 2026 04:24 PM IST | Karauli | Gujarati Mid-day Correspondent
હનુમાન મંદિર
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એક એવું હનુમાન મંદિર છે જે આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત ઉનાળાના બે મહિના એમાં કમરસમા પાણીમાં દર્શન કરવા જઈ શકાય છે. વરસાદના દિવસોમાં આ મંદિર જળમગ્ન થઈ જાય છે. આ એવું મંદિર છે જ્યાં હનુમાનજીના ખભા પર ભગવાન રામ અને લક્ષ્મણજી બિરાજમાન છે અને એને ચમત્કારિક માનવામાં આવે છે. ભાવિકો બાધા રાખવા માટે આ મંદિરમાં આવતા રહે છે.
ચારે તરફ પાણી હોવા છતાં એ મજબૂતીથી ઊભું છે. કરૌલીના વીરવાંસના પહાડોમાં આ મંદિર આવેલું છે અને ૪૦ વર્ષથી પાણીથી ઘેરાયેલું છે. આ મંદિર પાસે જ અંજનીમાતાનું મંદિર છે. ભાવિકોમાં આ મંદિર બગીચેવાલે હનુમાન તરીકે પ્રસિદ્ધ છે અને હજારો વર્ષ પ્રાચીન માનવામાં આવે છે.