અનોખી ગુરુદક્ષિણા: બાળપણમાં સ્કૂલની ફી ભરનારા નિવૃત્ત શિક્ષકને ભૂતપૂર્વ સ્ટુડન્ટે આપી નવીનક્કોર કાર

15 June, 2026 11:14 AM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

શિક્ષક માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી આપતા, વિદ્યાર્થીના ભવિષ્યને સાચી દિશા આપીને તેનું જીવન પણ બદલી નાખે છે

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની સફળતાના શિલ્પી એવા નિવૃત્ત શિક્ષકને ગુરુદક્ષિણારૂપે નવી કાર ભેટમાં આપી

શિક્ષક માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી આપતા, વિદ્યાર્થીના ભવિષ્યને સાચી દિશા આપીને તેનું જીવન પણ બદલી નાખે છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો કર્ણાટકના હંગલ જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની સફળતાના શિલ્પી એવા નિવૃત્ત શિક્ષકને ગુરુદક્ષિણારૂપે નવી કાર ભેટમાં આપીને આખા દેશમાં ચર્ચા જગાવી છે.

હંગલની કુમારેશ્વર હાઈ સ્કૂલના શિક્ષક સી. એસ. વસ્ત્રદ નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમને વિદાય આપવા માટે ૧૦૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. આ ભવ્ય વિદાય સમારંભમાં નવીન નામના એક વિદ્યાર્થીએ આપેલી સરપ્રાઇઝ જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

નવીન નાનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યો હતો અને નવીન માટે અભ્યાસ ચાલુ રાખવો અશક્ય બની ગયો હતો. પોતાના તેજસ્વી વિદ્યાર્થીની આ પરિસ્થિતિ જોઈને શિક્ષક સી. એસ. વસ્ત્રદે કોઈ પણ અપેક્ષા વિના સતત કેટલાંય વર્ષો સુધી નવીનની સ્કૂલની ફી ભરી હતી અને તેને ક્યારેય હિંમત ન હારવાની પ્રેરણા આપી હતી.

શિક્ષકની એ મદદ અને માર્ગદર્શનના કારણે નવીન આજે બૅન્ગલોરની એક પ્રતિષ્ઠિત મલ્ટિનૅશનલ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યો છે. નવીનનું કહેવું છે કે ‘આજે હું જે કંઈ પણ છું અને જે સફળતા મેળવી છે એ મારા તે શિક્ષકને આભારી છે જેમણે મારી સૌથી કપરી પરિસ્થિતિમાં મારી આંગળી પકડી હતી.’

ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતી આ ઘટના સોશ્યલ મીડિયા પર પણ ભારે વાઇરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે મહાન શિક્ષકો માત્ર પાઠ નથી ભણાવતા, વિદ્યાર્થીનું આખું જીવન બદલી નાખે છે. આ ઘટના આપણને પણ વિચારતા કરી મૂકે છે કે શું તમને તમારા એ શિક્ષકનું નામ યાદ છે જેમણે તમારું જીવન બદલી નાખ્યું હોય?

national news karnataka india offbeat news