10 September, 2026 04:45 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના શિક્ષક
બાળકોનું ભવિષ્ય ઘડતી સ્કૂલ અને માતૃભાષાને જીવંત રાખવા માટે એક શિક્ષક કઈ હદ સુધી જઈ શકે છે એનો અત્યંત ભાવુક કિસ્સો કર્ણાટકના શિવમોગા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક શિક્ષકે પોતાની સ્કૂલને આર્થિક સંકટને કારણે બંધ થતી અટકાવવાના પ્રયાસમાં પોતાના જ લોહીથી પત્ર લખીને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
શિકારીપુરાની સાલેશ્વર વિદ્યા સંસ્થામાં કન્નડા વિષય ભણાવતા પ્રશાંત નામના આ શિક્ષકે પોતાની સ્કૂલ માટે સરકારી ગ્રાન્ટની માગણી સાથે વિરોધ દર્શાવતો આ અનોખો પત્ર લખ્યો છે.
પ્રશાંતે જણાવ્યું હતું કે તેણે પોતે સિરિંજ વડે પોતાના હાથમાંથી લોહી કાઢ્યું, એને કાગળ પર રેડ્યું અને આંગળીઓ બોળી-બોળીને આખી વ્યથા પત્રમાં લખી કાઢી. તેણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ નાટક નથી પણ પરિસ્થિતિ કેટલી ગંભીર અને તાકીદની છે એ અસરકારક રીતે સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે.
આ કન્નડા માધ્યમની સ્કૂલ છેલ્લાં ૩૧ વર્ષથી ચાલે છે, પરંતુ ગયા વર્ષે ગ્રાન્ટની મંજૂરી બાબતની વિચારણા વખતે માત્ર એક દિવસની ઘટને કારણે આ સ્કૂલ ગ્રાન્ટ-પાત્રતામાંથી વંચિત રહી ગઈ હતી. શિક્ષકે શિક્ષણપ્રધાન મધુકર બાંગરપ્પાને આ પત્ર સોંપવાની તૈયારી કરી છે અને અપીલ કરી છે કે ૧૯૯૫ પછી શરૂ થયેલી તમામ કન્નડા માધ્યમની સ્કૂલોને તાત્કાલિક સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ હેઠળ આવરી લેવામાં આવે.