09 January, 2026 01:08 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કેરલાના અલાપ્પુઝામાં રોડ-અકસ્માતમાં એક ભિક્ષુકનું મોત થયું એ પછી તેના સામાનની તપાસ કરવામાં આવી તો એમાંથી નીકળેલી રોકડ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા. આ ભિક્ષુક પાસે એક પટારો હતો જેની અંદર તે પોતાની ચીજો સાચવીને રાખતો હતો. સોમવારે સવારે આ ભિક્ષુક કારની અડફેટે આવી જતાં સ્થાનિક લોકોએ તેને હૉસ્પિટલમાં પહોંચાડ્યો. ત્યાં તેણે પોતાનું નામ અનિલ કિશોર લખાવ્યું હતું. જોકે પ્રાથમિક સારવાર બાદ તે હૉસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો હતો. બીજા દિવસે તે એક દુકાનની બહાર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યું હતું. શબની પાસે એક કન્ટેનર હતું એનો સામાન પંચાયતની ઉપસ્થિતિમાં ખોલ્યો તો એમાંથી ૪૫ લાખ રૂપિયા મળ્યા. એમાં ૨૦૦૦ રૂપિયાની પ્રતિબંધિત ચલણી નોટો ઉપરાંત વિદેશી મુદ્રા પણ સામેલ હતી. પોલીસે કહ્યું હતું કે રોકડ રકમ પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી રાખી હતી. આટલા રૂપિયા તેના ડબ્બામાં પડ્યા હોવા છતાં રોજ તે ખાવા-પીવા માટે બીજા પાસે ભીખ માગતો હતો.