બિસ્કિટમાંથી બનાવી કલાકૃતિ

12 October, 2021 12:22 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરલાના એક આર્ટિસ્ટે ૨૫,૦૦૦ બિસ્કિટ અને અન્ય બેકરી પ્રોડક્ટ્સ વાપરીને દેવીમાતા થૈયમનો ૨૪ ફુટ લાંબો ચહેરો તૈયાર કર્યો છે

દેવીમાતા થૈયમ

કેરલાના એક આર્ટિસ્ટે ૨૫,૦૦૦ બિસ્કિટ અને અન્ય બેકરી પ્રોડક્ટ્સ વાપરીને દેવીમાતા થૈયમનો ૨૪ ફુટ લાંબો ચહેરો તૈયાર કર્યો છે. કેરલામાં થૈયમદેવી મહત્ત્વનાં આરાધ્યદેવી છે.

દાવિન્સી સુરેશ તરીકે જાણીતા સુરેશ પીકે નામના કલાકારને આ કલાકૃતિ તૈયાર કરતાં સળંગ ૧૫ કલાક થયા હતા. કુન્નુરમાં એક બેકરીના હૉલમાં આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. હૉલની વચ્ચોવચ ટેબલની ગોઠવણ કરીને એના પર આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. સુરેશને જુદી-જુદી સામગ્રીનો ઉપયોગ કરીને કલાકૃતિ બનાવવાનો શોખ છે. આ તેની ૭૯મી કલાકૃતિ છે. બેક સ્ટોરી નામની બેકરીમાં તૈયાર કરેલી આ કલાકૃતિ વિશે સુરેશ કહે છે કે ૧૫ કલાકમાં ૨૪ ફુટ લાંબી આ કલાકૃતિ તૈયાર કરવામાં મને બેકરીના ઘણા મિત્રોએ મદદ કરી હતી.

બેકરીના શેફ મોહમ્મદ રશીદે સુરેશને આ કલાકૃતિ તૈયાર કરવા આમંત્રિત કર્યો હતો. તેણે કહ્યું કે ‘નૉર્થ મલબારની પરંપરાગત કલાશૈલીમાં સુરેશે આ સુંદર કલાકૃતિ બેકરી પ્રોડક્ટ્સમાંથી બનાવી છે. પછીથી આ બિસ્કિટ અને પ્રોડક્ટ્સ વેટરિનરી ફાર્મમાં ડિગ્રેડેશન માટે આપી દેવામાં આવશે.’

સુરેશ એક પ્રયોગાત્મક કલાકાર છે, જે જુદી-જુદી ચીજવસ્તુ-સામગ્રીમાંથી કલાકૃતિઓ બનાવવા માટે જાણીતો છે. તેણે દક્ષિણના લોકપ્રિય કલાકારોની કલાકૃતિઓ પણ બનાવી છે. 

offbeat news kerala national news