20 August, 2026 12:10 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
રખડતા કૂતરાઓના ત્રાસની ફરિયાદ કરવા ભાઈ કૂતરાનો મુખવટો પહેરીને કલેક્ટર ઑફિસ પહોંચ્યો
મધ્ય પ્રદેશના ખંડવામાં એક માણસ નગરપાલિકાની જનસુનાવણીમાં રખડતા કૂતરાઓની સમસ્યા તેમ જ એના પ્રબંધનમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં કૂતરાનો મુખવટો પહેરીને આવ્યો હતો અને સહુનું ધ્યાન ખેંચ્યું હતું. નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દીપક રાઠોરે આ વિરોધ-પ્રદર્શન તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે આ ગતકડું કર્યું હતું. ડૉગીનો ચહેરો લઈને નગરપાલિકામાં પહોંચેલા દીપક રાઠોરનો આરોપ છે કે ‘ખંડવામાં છેલ્લાં ચાર વર્ષોમાં કૂતરાઓની નસબંધીના નામ પર નગરપાલિકાએ લગભગ ૪૦ લાખ રૂપિયા વાપર્યા હોવા છતાં રખડતા કૂતરાઓની સંખ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. આ અવધિમાં કૂતરાઓના કરડવાની ૧૩,૨૨૫ ઘટનાઓ સામે આવી છે. કેટલાય ડૉગીની નસબંધી કરાવ્યા પછી પણ છ-છ બચ્ચાં કઈ રીતે પેદા કરી શકે છે? નસબંધીના કામમાં મોટો ગોટાળો ચાલી રહ્યો છે અને એ બાબતે નગરપાલિકાએ તરત જ તપાસ શરૂ કરીને દોષીઓને સજા કરવી જોઈએ.’
કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બન્નેએ દીપક રાઠોરની આ ફરિયાદ પર પગલાં લેવાની બાંયધરી આપી છે.