પોપટના પેટમાં ઈંડું ફસાઈ ગયું, કાઢવા માટે સર્જરી કરવી પડશે

03 July, 2026 01:02 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તા પાસે કોન્નગરમાં ૧૩ વર્ષની મીઠ્ઠુ નામની માદા પોપટના પેટમાં ઈંડું ફસાઈ ગયું.

૧૩ વર્ષની મીઠ્ઠુ નામની માદા પોપટ

કલકત્તા પાસે કોન્નગરમાં ૧૩ વર્ષની મીઠ્ઠુ નામની માદા પોપટના પેટમાં ઈંડું ફસાઈ ગયું. સામાન્ય રીતે ઈંડું આપવાની પ્રક્રિયા એટલી પીડાદાયક નથી હોતી, પરંતુ મીઠ્ઠુ પોપટ લગભગ એક વીક સુધી ઈંડું નીકળે એ માટે જોર કરી રહી હતી પણ કેમેય નીકળતું નહોતું. મીઠ્ઠુ પાળતુ છે અને એના માલિકે પોપટની પીડા ઓછી કરવા માટે પક્ષીના નિષ્ણાત ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે પરિસ્થિતિ ધાર્યા કરતાં વધુ જટિલ છે. મીઠ્ઠુએ અત્યાર સુધી આપેલા મોટા ભાગના ઈંડાં ફર્ટિલાઇઝ નહોતાં થયાં. આ વખતે લાંબો સમય પેટના પોલાણમાં ફસાઈ રહેલા ઈંડામાં કૅલ્શિયમની જમાવટ વધારે થતાં એની સાઇઝ પણ અસાધારણ રીતે મોટી થઈ ગઈ હતી. ડૉક્ટરોએ નિદાન કર્યું કે આ એગ-બાઇન્ડિંગ નામની કન્ડિશન છે અને એમાં સર્જરી જ કરવી પડશે. આ સર્જરી માટેના નિષ્ણાતો કલકત્તામાં મળી શકે એમ નહોતા એટલે મીઠ્ઠુના માલિકો એને સારવાર માટે દિલ્હી લઈ ગયા છે. સર્જરીનો ખર્ચ દોઢ લાખ રૂપિયા જેટલો હોવાથી પરિવારજનો અન્ય કોઈ સસ્તો વિકલ્પ શોધી રહ્યા છે, પરંતુ જો કંઈ ન થયું તો પરિવાર ખર્ચ કરીને સર્જરી કરવા પણ તૈયાર છે કારણ કે પરિવારની ટિયા નામની દીકરીની આ ફેવરિટ પૅરટ છે. 

offbeat news kolkata wildlife national news india