પોતાના બાળવિવાહ રોકવા છોકરી ઘરેથી ભાગી અને ચાઇલ્ડ હેલ્પલાઇન પર ફોન કરીને કહ્યું,અંકલ મેરી શાદી રુકવાઓ

22 April, 2026 02:03 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના કોટામાં એક છોકરીની સૂઝબૂઝ અને સાહસે તેને મોટી મુસીબતમાં પડતાં બચાવી લીધી હતી. તેણે પોતાનાં જ લગ્ન રોકવા માટે જાતે પોલીસની મદદ માગી હતી. ૨૬ એપ્રિલે તેનાં લગ્ન થવાનાં હતાં અને ઘરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી.

પોતાના બાળવિવાહ રોકવા છોકરી ઘરેથી ભાગી અને ચાઇલ્ડ હેલ્પલાઇન પર ફોન કરીને કહ્યું,અંકલ મેરી શાદી રુકવાઓ

રાજસ્થાનના કોટામાં એક છોકરીની સૂઝબૂઝ અને સાહસે તેને મોટી મુસીબતમાં પડતાં બચાવી લીધી હતી. તેણે પોતાનાં જ લગ્ન રોકવા માટે જાતે પોલીસની મદદ માગી હતી. ૨૬ એપ્રિલે તેનાં લગ્ન થવાનાં હતાં અને ઘરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી. તેણે લગ્ન નથી કરવાં એવું ઘણી વાર પરિવારજનોને સમજાવ્યું. ખૂબ વિરોધ કર્યો પણ કોઈ માન્યુ નહીં, ઊલટાનું તેની સાથે મારપીટ થઈ. જેમ-જેમ લગ્નની તારીખ નજીક આવતી હતી એમ છોકરી બેચેન થઈ રહી હતી. આખરે તેણે ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદ માગી. તેણે પરિવારજનોની નજર છુપાવીને હેલ્પલાઇન પર ફોન કરીને કહ્યું, ‘અંકલ, મેરી શાદી રુકવાઓ. ઘરવાલે મેરી શાદી કરાને જા રહે હૈં.’  
આ ઘટનાની સૂચના મળતાં જ જિલ્લા બાળસંરક્ષણ વિભાગના અધિકારીઓ સતર્ક થઈ ગયા. તેમણે તરત બાળકીના ઘરે જઈને છાપો મારવાનું વિચાર્યું, એટલી 
વારમાં તો છોકરીએ ફરી ફોન કરીને કહ્યું કે તે ઘરેથી ભાગીને બહાર એક રોડ પર ઊભી છે. બાળવિભાગની ટીમે તરત જ તેને પોતાના કબજામાં લઈ લીધી. એ પછી સરકારી ટીમે બાળકીના ઘરે જઈને બાળવિવાહ કરાવી રહેલા પેરન્ટ્સની સામે ફરિયાદ નોંધી હતી. 

offbeat news rajasthan national news india Bharat