લમ્બોર્ગિની લઈ આવશે બાળકો માટેનું ૪.૩ લાખ રૂપિયાનું સ્ટ્રોલર

15 March, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લમ્બોર્ગિનીનું આ સ્ટ્રોલર એ દર્શાવે છે કે સુપરકાર કંપનીઓ પણ હવે નવાં-નવાં બજારોમાં કદમ મૂકી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

લક્ઝરી કારનિર્માતા ઑટોમોબિલી લમ્બોર્ગિની અને જાણીતી બ્રિટિશ નર્સરી બ્રૅન્ડ સિલ્વર ક્રૉસે ૫૦૦૦ ડૉલર (આશરે ૪.૩ લાખ રૂપિયા)નું એક એવાં લક્ઝુરિયસ બેબી સ્ટ્રોલર બનાવવા માટે હાથ મિલાવ્યા છે. આ હાઈ-એન્ડ સ્ટ્રોલરનાં માત્ર ૫૦૦ યુનિટનું જ ઉત્પાદન કરવામાં આવશે. આ સ્ટ્રોલરમાં સંપૂર્ણ સસ્પેન્શન વ્હીલ સાથે સુપરકારથી પ્રેરિત બ્રેક પૅડલ સાથે ઑલ ટેરેન ડિઝાઇન છે.

આ લક્ઝરી સ્ટ્રોલરમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ઇટાલિયન લેધર વાપરવામાં આવ્યું છે અને સ્ટ્રોલર કાળા કાપડથી તૈયાર થયું છે. બાળકોની સુરક્ષા માટે એમાં ઍડ્વાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે જેથી નાનાં બાળકોને સફર વખતે વધુ આરામ અને સુરક્ષા મળે. વધુમાં આ સ્ટ્રોલર ઍક્સેસરીઝની વ્યાપક શ્રેણી સાથે આવે છે જેમાં પુશ ચૅર સીટ, કાર સીટ અડૅપ્ટર, મૉસ્કિટો નેટ અને બે રે​ઇન કવરનો સમાવેશ છે. આ ઍક્સેસરીઝ ખાતરી આપે છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં મમ્મી-પપ્પા તેમના બાળકને કમ્ફર્ટ આપવા તૈયાર છે. આ સ્ટ્રોલર માત્ર પ્રીમિયમ ડિઝાઇન અને આરામદાયક અનુભવ આપે છે એટલું જ નહીં, એમાં એટલાં ફીચર્સ છે કે બીજા સ્ટ્રોલર કરતાં એને અલગ બનાવે છે. એ સુપરકારની ડિઝાઇનથી પ્રેરિત છે જે એને સ્ટાઇલિશ અને આકર્ષક બનાવે છે. એમાં હાઈ-ગ્રેડ કાર્બન ફાઇબર અને પ્રીમિયમ લેધરનો ઉપયોગ થયો છે જે એને અલ્ટ્રા-લક્ઝરી લુક આપે છે. એનાં વ્હીલની ક્વૉલિટી અને ટેક્નિક લમ્બોર્ગિની કારની જેમ સ્મૂથ મૂવમેન્ટ આપે છે. લમ્બોર્ગિનીનું આ સ્ટ્રોલર એ દર્શાવે છે કે સુપરકાર કંપનીઓ પણ હવે નવાં-નવાં બજારોમાં કદમ મૂકી રહી છે.

offbeat news automobiles india national news