24 November, 2025 10:50 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
મોટા ભાગના સ્પર્ધકોએ બાથરૂમની ચિંતા ટાળવા માટે ડાયપર પહેર્યું હતું
તમને કોઈ કહે કે મસ્તમજાના મુલાયમ ગાદલા પર તમારે પડ્યા રહેવાનું છે તો કોણ ના પાડે? અને આ રીતે ગાદલા પર પડ્યા રહેવાની સ્પર્ધા થવાની હોય તો એમાં જે સૌથી છેલ્લે સુધી લંબાવીને ટેશથી પડ્યો રહી શકે તે વિજેતા. આવી વિચિત્ર સ્પર્ધા હમણાં ચીનમાં યોજાઈ અને એમાં ઝંપલાવવા ૨૪૦ લોકો તલપાપડ હતા, પણ મેદાનમાં (કે ગાદલામાં) ઊતર્યા માત્ર ૧૮૬. અંતે ખરી સ્પર્ધામાં એટલે કે ૩૩ કલાકનો સમય વટાવી ગયા પછી તો એવા ૩ જ વીરલા બચ્યા જે ઊઠવાનું નામ નહોતા લેતા. જોકે એમાં ૨૩ વર્ષનો ચીની યુવક અંતે બાજી મારી ગયો, ૩૩ કલાક અને ૩૫ મિનિટ સુધી આલીશાન મૅટ્રેસમાં પડ્યા રહીને.
હકીકતમાં ૧૫ નવેમ્બરે ચીનના મંગોલિયાના એક શૉપિંગ સેન્ટરમાં આ યુનિક કૉમ્પિટિશનનું આયોજન થયું હતું. આ કૉમ્પિટિશનને એક લોકલ મૅટ્રેસ બ્રૅન્ડ દ્વારા સ્પૉન્સર કરવામાં આવી હતી. કૉમ્પિટિશનનું નામ ચીનમાં પ્રચલિત બનેલા ટ્રેન્ડ તાંગ પિંગ એટલે કે ‘આડા પડ્યા રહેવું’ પરથી રાખવામાં આવ્યું હતું.
કામધંધા, નોકરીની હાડમારી અને દોડધામભરી લાઇફ વચ્ચે સોશ્યલ પ્રેશરને હૅન્ડલ કરતા ચીની યુવાનોમાં આ પડ્યા રહેવાનો ટ્રેન્ડ હમણાં ઘર કરી ગયો છે, જેમાં કહેવાય છે કે બધું નાખો પાણીમાં અને આરામ કરો, લંબાવો, રિલૅક્સ.
ઑર્ગનાઇઝર્સે આ સ્પર્ધા વિશે કહ્યું હતું કે સ્પર્ધકોને ટેકો લઈને બેસવાની, પલંગ છોડવાની કે ઈવન બાથરૂમ જવાની પણ છૂટ આપવામાં આવી નહોતી. હા, આમતેમ પડખાં ફરે, વાંચવું હોય તો કંઈ વાંચે, ફોન વાપરે અને ભૂખ લાગે તો ઑર્ડર કરીને ખાય; પણ ઊભા થયા તો આઉટ. હા, મોટા ભાગના સ્પર્ધકોએ બાથરૂમની ચિંતા ટાળવા માટે ડાયપર પહેર્યું હતું. છેલ્લે સુધી ટકેલા ત્રણેય વિજેતાઓને ૩૦૦૦ (૩૭,૭૩૧ રૂપિયા), ૨૦૦૦ (૨૫,૧૫૪ રૂપિયા) અને ૧૦૦૦ (૧૨,૫૭૭ રૂપિયા) યુઆન ઇનામ તરીકે મળ્યા.