સરકારી ઑફિસમાં ઑફિસર ન મળ્યા તો અરજી કૂતરાને આપીને વિરોધ કર્યો

21 June, 2026 12:20 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના શાહડોલમાં નગરપરિષદની સમસ્યાઓ અને કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં સ્થાનિક કૉન્ગ્રેસ કર્મચારીઓએ ધરણાં કર્યાં હતાં

વિરોધ પ્રદર્શન

મધ્ય પ્રદેશના શાહડોલમાં નગરપરિષદની સમસ્યાઓ અને કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં સ્થાનિક કૉન્ગ્રેસ કર્મચારીઓએ ધરણાં કર્યાં હતાં. પ્રદર્શનકારીઓ માગણીઓની અરજી તૈયાર કરીને બેઠા હતા, પરંતુ કોઈ અધિકારી સાથે મુલાકાત જ ન થઈ. આખરે ખાસ્સો સમય ઉહાપોહ મચાવ્યા પછી પણ સરકારી ઑફિસમાંથી કોઈ અધિકારી આગળ આવ્યા નહીં એટલે તેમણે પોતાની માગણીઓની યાદી નગરપરિષદની ઑફિસમાં રખડતા એક કૂતરાને સોંપીને પ્રતીકાત્મક વિરોધ જતાવ્યો હતો. આ અરજીમાં લોકોએ ૧૩ માગણીઓ કરી હતી. કૉન્ગ્રેસના પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે અમે પહેલેથી જ ચેતવણી આપી હતી કે ‘જો કોઈ અમારી વાત સાંભળવા આગળ નહીં આવે તો અમે અહીં રખડતા કૂતરાને અમારી સમસ્યાની અરજી આપીને જઈશું. જો આ માગણીને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો અમે ગંભીર અને વ્યાપક આંદોલન કરીશું.’

પાળેલા કૂતરાને જાહેરાતના બિલબોર્ડની જેમ વાપરીને કમાણી

સોશ્યલ મીડિયામાં એક માણસે મજાક-મજાકમાં પોતાના અત્યંત ચંચળ એવા બે લૅબ્રડૉર પ્રજાતિના ડૉગીઓ પર જાહેરાત લગાવીને ફેરવવાની વાત કરી હતી. તેણે કહેલું કે ‘મારા ડૉગીઝને ક્યાંય પણ ફરવા લઈ જાઓ તો એ આજુબાજુમાં બધે જ ઘૂમી-ફરી વળે છે. તેમના પર જો કોઈ જાહેરાત લગાવી દીધી હોય તો એ ખબર દરેક ખૂણેખાંચરે આવેલી ગલીઓમાં પણ પહોંચી જઈ શકે.’

જોકે આ મજાકમાં કહેવાયેલી વાતને કેટલાક લોકોએ બહુ ગંભીરતાથી લઈ લીધી. તેમણે તો સાચે જ પોતાના કામની જાહેરાત માટે આ ભાઈ પાસેથી લૅબ્રડૉર ડૉગીઝ પર ઍડ લગાવવા પૈસા આપવાની ઑફર કરી. અને એમ કરતાં શરૂ થયો નવો ઍડ‍્વર્ટાઇઝિંગ ડૉગીનો નવો ટ્રેન્ડ. સોશ્યલ મીડિયા પર આ જાહેરાત એટલી વાઇરલ થઈ કે હવે આ ભાઈના ડૉગીઝ નવરા જ નથી પડતા. બન્નેની પીઠ પર સામાન્ય કાગળ પર છાપેલી જાહેરાત ચિપકાવી દેવામાં આવે છે અને આ ડૉગીઓ ફર્યા કરે છે અને ઘેરબેઠાં તેના માલિકને કમાણી થતી રહે છે.

offbeat news madhya pradesh india national news wildlife