27 December, 2024 08:38 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વૉટર ડ્રોન
પ્રયાગરાજમાં મહાકુંભમેળાના સ્થળે આવનારા આશરે ૪૫ કરોડ ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે યોગી સરકારે અન્ડરવૉટર ડ્રોનની વ્યવસ્થા કરી છે. આ ડ્રોન ૨૪ કલાક પાણીની નીચેની ગતિવિધિ પર નજર રાખશે. અંધારામાં પણ એ આસાનીથી નજર રાખી શકશે. આમ સંગમસ્થળે કોઈ પણ ડૂબી રહેલી વ્યક્તિને બચાવી શકાશે. આ ડ્રોન ૧૦૦ મીટર ઊંડા પાણીમાં પણ કામ કરવામાં સક્ષમ રહેશે. આ ડ્રોન અસીમિત અંતર સુધી કામ કરી શકશે. ઇમર્જન્સીમાં તરત કાર્યવાહી માટે આ ડ્રોન ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ કમાન્ડ સેન્ટરને જાણકારી અને અલર્ટ મોકલશે.
મહાકુંભમાં આવનારા ભાવિકો માટે સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ સહિત પોલીસોની ટીમો ખડેપગે હાજર રહેશે. ૭૦૦ જેટલી બોટ પર સુરક્ષાકર્મીઓ ૨૪ કલાક તહેનાત રહેશે. રિમોટ ઑપરેટેડ લાઇફબોયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે તાકીદની પરિસ્થિતિમાં સહાયતા પહોંચાડી શકશે.