28 July, 2026 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેનના AC કોચમાં દીવો અને અગરબત્તી કરીને પૂજાપાઠ કરવા બેસી ગયેલા ભાઈને શોધવા રેલવેએ માગી મદદ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ઍર-કન્ડિશન્ડ રેલવે-કોચમાં ઉપરની બર્થ પર એક ભાઈ રીતસર દીવો પ્રગટાવીને અને ધૂપ-અગરબત્તી કરીને જપમાળા કરવામાં મગ્ન છે. આસપાસના લોકો તેમને બૂમો પાડીને કહી રહ્યા છે કે આ પબ્લિક માટે જોખમી છે, ઍર-કન્ડિશન્ડ ડબ્બો છે અને એમાં આગ અને ધુમાડો કરવાનું ઠીક નથી. વિડિયોમાં કોઈ કહેતું સંભળાય છે કે અગરબત્તીના ધુમાડાથી સ્મોક ડિટેક્શન સિસ્ટમ ટ્રિગર થઈ જશે અને બંધ ડબ્બામાં ઘીનો દીવો તો બધા માટે જોખમી થઈ જશે. જોકે એ પછી પણ પૂજામાં મગ્ન ભાઈને જાણે કંઈ પડી જ ન હોય એમ તેઓ વર્તે છે. તેમણે દીવો તરત બંધ કર્યો કે નહીં એ તો ખબર નથી પડતી, પરંતુ આ વિડિયો વાઇરલ થયા પછી રેલવેવાળા જાગૃત થઈ ગયા છે. રેલવેસેવા નામના ટ્વિટર હૅન્ડલ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં આ વિડિયો લેનારને ઘટનાનો સમય, તારીખ, ટ્રેન-નંબર, PNR નંબર અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરવાની વિનંતી કરી છે.