ઑનલાઇન ડિલિવરીમાં રિમોટ કન્ટ્રોલ કારને બદલે મળી બિસ્કિટ

23 June, 2021 09:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ઑર્ડર દિલ્હીના ભગવાનનગર આશ્રમ વિસ્તારમાંથી આપવામાં આવ્યો હતો

કારને બદલે મળી બિસ્કિટ

ઑનલાઇન ઑર્ડરથી કોઈ ડિવાઇસ કે રમતનું કોઈ વાહન મગાવવામાં આવે ત્યારે એને બદલે ડ્રેસ કે બૅગ જેવી કોઈ ચીજ ઘરના સરનામે આવી જાય ત્યારે નવાઈ જરૂર લાગે, પણ ખડખડાટ હસવું ન આવે. કારણ એ છે કે આવી ગરબડ સામાન્ય રીતે થતી હોય છે, પરંતુ દિલ્હીમાં એક ભાઈને જે અનુભવ થયો એ ખરેખર પેટ પકડીને હસવા જેવો જ કહી શકાય.

વિક્રમ બુરાગોહેસન નામના આ માણસે એક જાણીતી ઈ-કૉમર્સ ઍપ મારફત રિમોટ કન્ટ્રોલ કારનો ઑર્ડર આપ્યો હતો, પણ તેને એને બદલે પારલે-G મળી હતી. ડિલિવરી-મૅન તેને પૅકેટ પહોંચાડવા આવ્યો ત્યારે જ વિક્રમને પૅકેટનું કદ જોઈને વિચાર આવ્યો કે દાળમાં કંઈક કાળું છે. આ ઑર્ડર દિલ્હીના ભગવાનનગર આશ્રમ વિસ્તારમાંથી આપવામાં આવ્યો હતો. વિક્રમને રિમોટ કન્ટ્રોલ કારને બદલે પારલે-G મળી એટલે તેને ખૂબ હસવું આવ્યું હતું અને ઘરના મેમ્બરને તેણે કહ્યું (તરત જ ટ્વિટર પર પણ લખ્યું) કે ‘અબ તો ચાય બનાની પડેગી.’

વિક્રમે ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મને આ ખોટી ડિલિવરી વિશે ફરિયાદ કરી છે અને કંપનીએ રીફન્ડ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમ જ વિક્રમની માફી પણ માગી છે.

offbeat news national news new delhi