લગ્ન કરવા જાન લઈને આવેલો દુલ્હો બાથરૂમ કરીને આવું છું કહીને મંડપમાંથી ફરાર થઈ ગયો

15 February, 2026 01:59 PM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

મથુરાના ગોવર્ધન વિસ્તારમાં બે સગી બહેનોનાં લગ્ન રાજસ્થાનમાં રહેતા બે ભાઈઓની સાથે નક્કી કરવામાં આવ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

મથુરાના ગોવર્ધન વિસ્તારમાં બે સગી બહેનોનાં લગ્ન રાજસ્થાનમાં રહેતા બે ભાઈઓની સાથે નક્કી કરવામાં આવ્યાં હતાં. બન્ને પરિવારોએ લગ્ન પહેલાંની તમામ વિધિઓ બહુ રંગેચંગે ઊજવી. મેહંદી સેરિમની થઈ, દુલ્હાઓ જાન લઈને આવ્યા અને જયમાલાની રસમ કરીને મંડપમાં ફેરા લેવાનો વારો આવ્યો. પ્રાથમિક વિધિઓ પણ થઈ ગઈ. જેવી કન્યાઓને મંડપમાં બોલાવવામાં આવી એટલે એક દુલ્હાએ બાથરૂમ કરવા જવાનો બ્રેક માગ્યો. પવિત્ર વિધિ દરમ્યાન આવો બ્રેક લેવાનું ઠીક નથી એવું સમજાવવા છતાં તેણે જવાનો આગ્રહ રાખ્યો. આખરે દુલ્હાને બ્રેક આપવાનું નક્કી થયું. જોકે દુલ્હો બાથરૂમ જવાના બહાને ચોરીમાંથી ઊતર્યો અને પછી બાથરૂમમાં જવાને બદલે ક્યાંક બીજે જ ભાગી ગયો. થોડી વાર સુધી દુલ્હો પાછો ન આવતાં તેની શોધ ચલાવી. એ વખતે ખબર પડી કે દુલ્હો ભાગી ગયો છે. દુલ્હનને ચોરીમાં છોડી જવાનું અપમાન કરનારા પરિવારને બીજી દીકરી પણ નથી આપવી એમ નક્કી કરીને લગ્ન રોકવામાં આવ્યાં. વાત પંચાયતમાં પહોંચી. ત્યાં પંચાયત દ્વારા છોકરાપક્ષને ૧૩.૫૦ લાખ રૂપિયાનો દંડ અને દહેજનો બધો જ સામાન પાછો કરવાની સજા સંભળાવવામાં આવી. બીજી તરફ પોલીસ-ફરિયાદ કરવામાં આવી અને હવે ભાગેડુ દુલ્હાની શોધ ચાલી રહી છે. જોકે ચોરીમાં સજીધજીને બેઠેલી દુલ્હનોને જે માનસિક આઘાત લાગ્યો છે એની પીડાની દવા શું?

offbeat news mathura rajasthan national news india