24 November, 2026 05:31 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
જીજાજીએ બે સાળાઓને પહેરાવી ૫૦૦ રૂપિયાની ચલણી નોટોની ૧-૧ કરોડની ૧૦૦ ફુટ લાંબી માળા
ઉત્તર પ્રદેશના મથુરામાં બે યુવાનો ઘોડે ચડ્યા એ સમારંભ સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. આ સમારંભની હાઇલાઇટ છે ૧૦૦ ફુટ લાંબી ૧ કરોડ રૂપિયાની માળા. આ દુલ્હાઓના જીજાજીએ તેમને ૧૦૦ ફુટ લાંબી માળા પહેરાવી હતી જે ૫૦૦ રૂપિયાની ચલણી નોટોથી બની હતી. એક માળા ૧ કરોડ રૂપિયાની કિંમતની હોવાનું કહેવાય છે. આ માળા એટલી લાંબી હતી કે એને સાચવવા માટે એક મોટી ટીમની જરૂર પડી હતી.
પ્રશાંત અને કાન્હા રાઘવ નામના બે યુવાનો ઘોડે ચડી રહ્યા હતા. બન્નેનાં લગ્ન એક જ ગામની યુવતી સાથે થવાનાં હતાં. આ બન્ને દુલ્હા ઘોડીએ ચડ્યા એ વખતે તેમના જીજાજીએ આ માળા પહેરાવી હતી. માળા પહેરાવનાર જીજાજીનું નામ યોગેશ કુમાર છે અને તે રાજસ્થાનના ડીગ જિલ્લાના નંદોલા ગામના છે. શાહી વરરાજાની જેમ રૉયલ માળા પહેરનારા બન્ને સાળાઓનો વિડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.