21 April, 2025 05:16 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
લગ્નની ભેટમાં દુલ્હાને આપ્યું ‘બ્લુ ડ્રમ’
મેરઠમાં મુસ્કાને પતિને મારીને બ્લુ ડ્રમમાં ટુકડા કરીને ભરી દીધો એ ઘટના પછી બ્લુ ડ્રમ જાણે પતિઓ પર થતા અત્યાચારનું સિમ્બૉલ બની ગયું છે. જોકે આ નેગેટિવ સિમ્બૉલને એક લગ્નપ્રસંગમાં ભેટ આપવામાં આવતાં દુલ્હા-દુલ્હન ચોંકી ઊઠ્યાં હતાં. ઉત્તર પ્રદેશના હમીરપુર પાસેના માંગરોળ ગામમાં શૈલેન્દ્ર રાજપૂતનાં લગ્ન સીમા નામની કન્યા સાથે થઈ રહ્યાં હતાં. લગ્ન પતી ગયા પછી જ્યારે પરિવારજનો અને મિત્રો સ્ટેજ પર નવદંપતીને શુભેચ્છા આપવા આવ્યા ત્યારે દુલ્હાના દોસ્તોએ મજાક કરવા માટે આ ગતકડું કર્યું હતું.
જોકે ગિફ્ટમાં બ્લુ ડ્રમ જોઈને દુલ્હો હેબતાઈ ગયેલો અને દુલ્હન હસી-હસીને બેવડ વળી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયા પછી એને મિશ્ર પ્રતિસાદ મળ્યા હતા. કોઈકને એ મજાક લાગી, પરંતુ કોઈકને એ બહુ નકારાત્મક બાબત લાગી હતી. લગ્ન જેવા શુભ અને પવિત્ર પ્રસંગે આવી હત્યાકાંડના સિમ્બૉલ જેવી ચીજને પ્રતીક બનાવીને મજાક કરવી કેટલી યોગ્ય છે એવો સવાલ ઊભો થયો હતો.