15 March, 2026 10:21 AM IST | Mirzapur | Gujarati Mid-day Correspondent
ચાર મહિના પહેલાં કૂતરું કરડેલું, અચાનક છોકરો કૂતરાની જેમ ભસવા લાગ્યો
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના જોગીપુરવા ગામના ૧૭ વર્ષના એક છોકરાની હરકતો અચાનક જ બદલાવા લાગતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. કરણ નામનો આ ટીનેજર અચાનક જ કૂતરાની જેમ ભસવા લાગ્યો છે. તેની ચાલઢાલ પણ બદલાઈ ગઈ છે. તે ચાર પગે ચાલે છે અને જાણે ડરી ગયો હોય એક સંકોરાઈને ખૂણામાં પડી રહે છે. તેના પિતા જ્યારે કરણને દવાખાને લઈ ગયા તો ખબર પડી કે તેને આ લક્ષણો કૂતરું કરડ્યા પછી થતા હડકવા રોગના છે. કરણ ૪ મહિના પહેલાં તેની નાનીને ત્યાં ગયેલો ત્યારે કૂતરું કરડેલું. એ વખતે પબ્લિક દવાખાનામાં તેણે એક ઇન્જેક્શન લીધું હતું, પરંતુ એ પછી બીજાં બે ઇન્જેક્શન ન લગાવ્યાં. આ લાપરવાહીનું પરિણામ છેક ૪ મહિના પછી ખૂબ વરવા સ્વરૂપે બહાર આવ્યું છે. તેના વ્યવહારમાં બદલાવ છે. અવાજ કૂતરાની જેમ ઘરઘરાટી કરતો હોય એવો થવા લાગ્યો છે. આ લક્ષણો જોઈને તેના પિતા ભાઈલાલભાઈના પગ તળેથી ધરતી સરકી ગઈ છે. ડૉક્ટરોનું કહેવું છે કે હવે કોઈ પણ પ્રકારની દવા કે ઇન્જેક્શનોથી દીકરો સારો થાય એવા ચાન્સ નથી. હજી રોગ વધતાં તેને શ્વાસની નળીમાં સોજો આવવાથી અવાજ ઘેરો બનશે અને શ્વાસ લેવામાં તકલીફ પડશે.