25 November, 2026 06:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોક્ષ વૉયેજ નામના સ્ટૉલની સર્વિસે બધાનું ધ્યાન ખેંચ્યું
મોટાં શહેરોમાં હવે પાછલી જિંદગીમાં એકલા રહેતા લોકોની સંખ્યા વધી ગઈ છે. પરિવાર સાથે રહેતા લોકોને પણ હવે સંબંધો માટે પૂરતો સમય નથી મળતો. એવામાં અંતિમ વિદાયની વ્યવસ્થા માટે એક નવા પ્રકારની સર્વિસ આકાર લઈ રહી છે. દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા પિસ્તાળીસમા ઇન્ટરનૅશનલ ટ્રેડ ફૅરમાં મોક્ષ વૉયેજ નામના સ્ટૉલની સર્વિસ લોકોને ચોંકાવી રહી છે. આ સર્વિસ અંતિમ યાત્રા માટે વાહન, પાર્થિવ ઉપાડવા માટે ચાર વ્યક્તિઓના ખભા, પંડિત, અંતિમ સંસ્કારની તમામ સામગ્રી, અસ્થિવિસર્જન અને એની સાથે શ્રાદ્ધકર્મ સુધીની તમામ સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ પહેલ માટે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. નમો ગંગે વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ થયેલી મોક્ષ વૉયેજ સર્વિસ હાલમાં દિલ્હી અને આસપાસનાં શહેરોમાં સર્વિસ આપે છે. સર્વિસ-પ્રોવાઇડરનું કહેવું છે કે પ્રિયજનના મૃત્યુ સમયે અંતિમ સંસ્કારની વ્યવસ્થાઓની ભાગદોડ ન કરવી પડે એ માટે આ સર્વિસ શરૂ થઈ છે. આ સર્વિસમાં પાર્થિવ દેહને ઘરેથી સ્મશાન સુધી લાવવાથી માંડીને અસ્થિવિસર્જન કરીને શ્રાદ્ધ કરવા સુધીનું પૅકેજ હોય છે. કંપનીના ડિરેક્ટર વિશ્વ કંદર્પનું કહેવું છે કે ‘કેટલાક લોકોએ તો જીવતેજીવ અમારી પાસે તેમની અંતિમ યાત્રાની વ્યવસ્થા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એનું કારણ એ છે કે વૃદ્ધોને લાગે છે કે તેમના ગયા પછી સંતાનો પૂરું ધ્યાન નહીં આપે. અમે કોઈ પણ સંજોગોમાં કે દેશવિદેશમાં મૃત્યુ થવા પર પાર્થિવ દેહને ભારત લાવવાની સર્વિસ પણ પ્રોવાઇડ કરીએ છીએ.’ વિવિધ પ્રકારનાં પૅકેજમાં ૬૦૦૦ રૂપિયાથી લઈને ૧.૫ લાખ રૂપિયા સુધીનું પૅકેજ આ કંપનીએ લૉન્ચ કરેલું છે. શહેરના જીવનમાં બદલાતા સંબંધોનું આ સ્વરૂપ અસહજ કરી દે એવું છે. ખુશીના અવસરે જાનમાં નાચનારા જાનૈયાઓ ભાડે લાવવાની વાતને આપણો સમાજ પચાવી ચૂક્યો છે, પણ દુઃખના પ્રસંગે ચાર કાંધ આપનારા ભેગા કરવાનું મુશ્કેલ થાય અને એ માટે પેઇડ સર્વિસ શરૂ કરવી પડે એ સમાજ તરીકે ઊંડો વિચાર કરવા પ્રેરે એવી સ્થિતિ છે.