મોડાં ઊઠતાં બાળકોથી પરેશાન મમ્મીએ સવાર-સવારમાં ઘરે બૅન્ડવાજાં બોલાવી લીધાં

27 October, 2025 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂમના દરવાજે સંતાનોની મમ્મી જોઈ રહી હતી કે બૅન્ડવાજાંની કેવી અસર સંતાનો પર થાય છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

સંતાનોને રાતે વહેલાં સુવડાવવાનું અઘરું છે તો સવારે ઉઠાડવાનું એનાથીયે કઠિન. મોટા ભાગે મમ્મીઓ દીકરા-દીકરીઓને ઉઠાડવા માટે કાં તો ફૅન બંધ કરી દે, સૂર્યનો પ્રકાશ મોં પર આવે એ રીતે રૂમના પડદા ખોલી નાખે, ચાદર ખેંચી લે કે પછી મિક્સર-ગ્રાઇન્ડરનો અવાજ ચાલુ કરી દેતી હોય છે. જોકે સોશ્યલ મીડિયા પર એક મમ્મીએ જે કર્યું એની કલ્પના કદાચ તેમનાં સંતાનોએ પણ નહીં કરી હોય. બે સંતાનો ચાદર ઓઢીને ઘસઘસાટ ઘોડા વેચીને રૂમમાં સૂતાં હતાં ત્યારે મમ્મીએ બૅન્ડવાજાં વગાડનારા બે જણને બોલાવ્યા. એક ​પિપૂડી વગાડતો હતો અને બીજો ડ્રમ. બન્નેએ ઘરમાં આવી સૂતાં બાળકોની રૂમમાં જઈને બૅન્ડવાજાં વગાડવાનું શરૂ કરી દીધું. આટલા શોરબકોર પછી પણ ખાસ્સી વારે છોકરી સળવળી. તેણે તકિયાથી કાન દબાવીને સૂવાનો પ્રયત્ન કર્યો, પણ એ પછીયે જોરથી અવાજ આવતો હોવાથી ઊંઘ ઊડી ગઈ. જોકે તે જેવી ઊઠી કે સામે બૅન્ડવાજાવાળાને જોયા અને બીજી એક વ્યક્તિ વિડિયો લઈ રહી હતી એ જોઈને શરમાઈને તેણે મોં ચાદરમાં સંતાડી દીધું. રૂમના દરવાજે સંતાનોની મમ્મી જોઈ રહી હતી કે બૅન્ડવાજાંની કેવી અસર સંતાનો પર થાય છે.

વિડિયો જોઈને દેશી મમ્મીનો આ જુગાડ કેટલાકને ખૂબ ગમ્યો તો કેટલાક ઊંઘણશી સંતાનોને આ ક્રૂરતા થઈ રહી હોય એવું લાગ્યું. એક સમય હતો જ્યારે મમ્મી સંતાનોને સુવડાવવા કહેતી કે સૂઈ જા બેટા, નહીં તો બાવો આવશે. હવેની મમ્મીઓ કહે છે કે બચ્ચા, જલ્દી સે ઉઠ જા, વરના ફિર સે બૅન્ડ બજેગા.

offbeat news national news india viral videos social media