મેટ્રોમાં મન્કીની મોજ

21 June, 2021 09:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેટ્રો ટ્રેન ફરી દોડતી થઈ જતાં દિલ્હીવાસીઓને તો રાહત થઈ જ છે, વાંદરાને પણ મજા પડી ગઈ છે

મેટ્રોમાં મન્કી

દિલ્હીમાં લૉકડાઉન હટી જતાં મેટ્રો ટ્રેન ફરી દોડતી થઈ જતાં દિલ્હીવાસીઓને તો રાહત થઈ જ છે, વાંદરાને પણ મજા પડી ગઈ છે. જુઓને, વાઇરલ થયેલા એક વિડિયો મુજબ બ્લુ લાઇન તરીકે ઓળખાતી આ મેટ્રોમાં આ મન્કીની યાત્રા આનંદ વિહારથી દ્વારકા સુધીની હતી. કેટલાક પૅસેન્જરોની સાથે ગુપચુપ આ વાંદરો પણ ટ્રેનમાં ચડી ગયો હતો. મેટ્રોનો દરવાજો ઑટોમૅટિક હોય એટલે એ બંધ થયા પછી એને ઉતારે પણ કોણ! મન્કીભાઈએ તો ગુલાંટ મારવાની અને હૅન્ડલ પર લટકવાની શરૂઆત કરી દીધી. પૅસેન્જરોને ટાઇમપાસ માટે સારું માધ્યમ મળી ગયું. એક ભાઈ મજાકમાં બોલ્યા, ‘આપણા બધાની જેમ આ વાંદરાએ પણ માસ્ક પહેરવો જોઈએ.’

આ વાંદરો પાછો હતોય સમજદાર. એક તબક્કે તો તે એક સીટ પર એક ભાઈની બાજુમાં જઈને બેસી ગયો અને બારીની બહાર જોવા લાગ્યો. બારીમાંથી તેને સ્થળો અજાણ્યાં લાગ્યાં હશે, પણ મેટ્રોની સફર કરવાનો મોકો બીજી વાર નહીં મળે એવું વિચારીને તેણે તો કૂદકા મારવાની ફરી શરૂઆત કરી દીધી. તેની સફર આઇપી સ્ટેશન પર અટકી ગઈ હતી. તે આપમેળે ત્યાં ઊતરી ગયો હતો અને ત્યાર પછી પાછો નહોતો દેખાયો.

offbeat news national news new delhi delhi metro rail corporation