15 January, 2026 09:01 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય પ્રદેશના છિંદવાડા શહેરમાં શૉપિંગ માટે ફેમસ ફવ્વારા ચોક પર સોમવારે સાંજે પેરન્ટ્સની લાપરવાહીને કારણે દોઢ વર્ષનું બાળક જોખમમાં મુકાઈ ગયું હતું. શૉપિંગ કરવા માટે આવેલું યુગલ દોઢ વર્ષના બાળકને કારની અંદર મૂકીને જતું રહ્યું હતું અને કાર
ઑટો-લૉક થઈ જતાં બાળક અંદર કેદ થઈ ગયું હતું. થોડી વાર પછી બજારમાં ફરતા માણસની નજર કારની અંદર એકલા બેઠેલા બાળક પર પડી. તેણે આસપાસમાં નજર કરી કે તેના પેરન્ટ્સ ક્યાંય છે કે કેમ? જોકે ક્યાંય તેનાં માબાપ ન મળ્યાં. અંદર બાળક ગભરાઈને હીબકે ચડ્યું હતું. લોકોએ કારનું લૉક ખોલવાની ભરપૂર કોશિશ કરી, પણ સફળતા ન મળી. આખરે લોકોએ કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢવાનો નિર્ણય લીધો. ખાસ્સી જહેમત પછી કાચ તૂટ્યો અને બાળકને બચાવી લેવાયું. નજરે જોનારા લોકોનું કહેવું હતું કે જો વધુ દસ-પંદર મિનિટ થઈ હોત તો બાળકનો દમ ઘૂંટાઈ જાત. જોકે બાળકને બહાર કાઢ્યા પછી થોડી જ વારમાં તેનાં માતા-પિતા આવ્યાં હતાં. બેજવાબદાર પેરન્ટ્સને જોઈને ભીડનો ગુસ્સો વધી ગયો એટલે તેઓ ચૂપચાપ બાળકને લઈને ત્યાંથી રવાના થઈ ગયાં હતાં.