28 October, 2025 01:27 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
દધીશ્વર મંદિર
મધ્ય પ્રદેશના રતવા ગામમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક દધીશ્વર શિવ મંદરમાં એક જ રાતમાં ચોરોએ ખજાનો શોધવા માટે થઈને શિવલિંગ અને નંદી ઉખાડીને આખા મંદિરને ખોદી કાઢ્યું હતું. તેમને ખજાનો હાથ લાગ્યો કે નહીં એની ખબર નથી પડી, પરંતુ ગામલોકો આ ઘટનાથી ખૂબ ગુસ્સે ભરાયા હતા.
આ મંદિર જંગલ જેવા વિસ્તારમાં પહાડી પર ૧૪૦૦ વર્ષ જૂનું છે. ૧૧મી સદીમાં પૃથ્વીરાજના સમયે બંધાયેલા દધીશ્વર મંદિરમાં વિશાળ શિવલિંગ અને નંદીની પ્રતિમા હતાં. ખૂબ સીધાસાદા આ મંદિરનાં દ્વાર સાંજે અંધારું થતાં બંધ કરી દેવામાં આવતાં હતાં. પૂજારી રાધાકૃષ્ણનું કહેવું હતું કે ‘સાંજે મેં પૂજા-આરતી કરી ત્યાં સુધી બધું જ બરાબર હતું, પરંતુ જ્યારે વહેલી સવારે પૂજા માટે મંદિરે આવ્યો તો વિશાળ નંદીની પ્રતિમા ઊખડીને બીજે પડી હતી અને ત્યાં ૧૦ ફુટથી વધુ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. મેં તરત જ ગામના અન્ય લોકોને જાણ કરી હતી.’
લોકોનું કહેવું છે કે અસામાજિક તત્ત્વોએ ખજાનો શોધવા માટે આવું કર્યું હોઈ શકે છે. બે મહિના પહેલાં પણ નંદીને એની મૂળ જગ્યાએથી બીજે ખસેડવાની કોશિશ થઈ હતી, પરંતુ એ વિશે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. અજ્ઞાત આરોપીઓ સામે લોકોની ધાર્મિક લાગણીને દુભાવવાનો ગુનો નોંધાયો છે.