06 November, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાકમાર્કેટમાં રૅમ્પવૉક
ફૅશન-શોની વાત આવે એટલે આંખ સામે ડિઝાઇનરોએ તૈયાર કરેલા મોંઘાદાટ કૉસ્ચ્યુમ્સ અને ઝાકઝમાળભર્યા રૅમ્પ પર લટકમટક કરતી મૉડલ્સ જ આવી જાય. જોકે મુંબઈમાં એક વિચિત્ર ફૅશન-શો થયો જ્યાં ન તો કોઈ આલીશાન સ્ટેજ હતું, ન કોઈ મોંઘા કૉસ્ચ્યુમ્સ. અહીં રૅમ્પનું કામ કર્યું હતું શાકભાજીની એક માર્કેટે અને મૉડલ્સ મસ્તમજાનાં મૉડર્ન કપડાં પહેરીને હાથમાં મૂળા, કોથમીર જેવી શાકભાજી લઈને ચાલી રહ્યા હતા. મૉડલ્સે શાકભાજીનો ઉપયોગ ફૅશન-ઍક્સેસરીઝ તરીકે કર્યો હતો. આ ફૅશન-શોનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ શો વસઈની બિઝી શાકમાર્કેટમાં થયો હતો અને આ અનોખા ફૅશન-શોનું નામ આપવામાં આવ્યું હતું વિઝન વોગ ફૅશન વીક. મુંબઈના ફૅશન-મેન્ટર અને મૉડલ સાહિલ સિંહે આ ગતકડું કર્યું હતું. ફૅશન-શોમાં યુવક અને યુવતીઓ બન્નેએ રૅમ્પવૉક કર્યું હતું. આ મૉડલ્સે કોઈ મોંઘી બૅગ, ચશ્માં કે ડિઝાઇનર જ્વેલરી નહોતી રાખી; માત્ર કોઈક સબ્જી હાથમાં કે ખિસ્સામાં રાખીને આત્મવિશ્વાસપૂર્વક વૉક કર્યું હતું.