07 May, 2026 01:26 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ખાલી ફ્લૅટમાંથી ૪ કલાકમાં ૨૫૦ કૅબ બુક થઈ
જયપુરના વાટિકા રોડ પર આવેલા ગુલમોહર ગાર્ડન વિસ્તારમાં એક અજીબ કિસ્સો બન્યો. આ અપાર્ટમેન્ટના એક ખાલી ફલૅટના નામ પર કૅબ બુક થઈ હતી. બપોરે લગભગ ૩.૩૦નો સમય હતો. એક કૅબ-ડ્રાઇવર અપાર્ટમેન્ટની નીચે આવીને ઊભો રહ્યો. અપાર્ટમેન્ટના વૉચમૅને પૂછ્યું કે કોના માટે ટૅક્સી છે? તેણે જે ફ્લૅટ કહ્યો એ તો ઘણા વખતથી ખાલી રહેતો હતો. વૉચમૅને કહ્યું કે કંઈક ભૂલ થઈ હશે. બીજા કોઈએ બુક કરાવી હશે તે નીચે આવશે. કૅબવાળો સાઇડમાં રાહ જોવા લાગ્યો. જોકે એવામાં બીજી કૅબ આવી. બીજી પછી ત્રીજી, ચોથી એમ કૅબ્સની લાઇન લાગવા લાગી. તમામ કૅબ્સ આ ખાલી ફ્લૅટના સરનામે જ બુક થઈ હતી. ડ્રાઇવરોએ જે નંબરથી કૅબ બુક થયેલી એના પર ફોન કર્યો તો ફોન સ્વિચ્ડ ઑફ આવતો હતો. કૅબ-બુકિંગની આ મિસ્ટરી દસ-વીસ કૅબ પર અટકી નહીં, સતત નવી કૅબ્સ આવ્યા જ કરતી હોવાથી વૉચમૅન કંટાળી ગયો. રજિસ્ટરમાં દરેક કૅબની માહિતી લખતાં ખબર પડી કે રાતના ૮ વાગ્યા સુધીમાં લગભગ ૨૫૦ કૅબ્સ અપાર્ટમેન્ટના આંગણે આવીને ગઈ હતી. એક જ લોકેશન પરથી વારંવાર ગાડીઓ બુક થતી હતી અને કોઈ એમાં આવતું નહોતું એને કારણે વૉચમૅન પણ હેરાન થઈ ગયો. ડ્રાઇવરો પણ બુકિંગ હોવાથી અપાર્ટમેન્ટ સુધી આવતા અને ખાસ્સી રાહ જોયા પછી ત્યાંથી નીકળતા એને કારણે પૈસા અને સમય બરબાદ થતા હોવાથી ગુસ્સે ભરાયા. ડ્રાઇવરોએ પોતપોતાની કૅબ-કંપનીઓમાં ફરિયાદ નોંધાવી અને કંપનીઓએ પોલીસને જાણ કરી. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે ૪ કલાકમાં ૨૫૦ કૅબ બુક કરવાનું કારસ્તાન કર્યું કોણે હતું.