25 September, 2026 12:50 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent
નાશિક બળદ સોનાનો હાર ગળી ગયો
નાશિક જિલ્લાના વનપત ગામમાં શિવાજી નામના એક ખેડૂતના બળદને બેલ પૌલા તહેવારમાં મળેલો પ્રસાદ ભારે પડી ગયો. આ તહેવારમાં બળદની પૂજા કરીને એને પૂરણપોળી અને વ્યંજનો ખવડાવવામાં આવે છે. જોકે આ પૂજા દરમ્યાન પરિવારનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો. શરૂઆતમાં ખેડૂત પરિવારને ખબર નહોતી કે સોનાનો હાર બળદના પેટમાં પહોંચી ગયો છે, પરંતુ જ્યારે બધે જ શોધ કર્યા પછી પણ હાર ન મળ્યો ત્યારે શંકા ગઈ કે કદાચ ઉત્સવના માહોલમાં પ્રસાદમાં હાર પડી ગયો હશે તો? ખેડૂતે નજીકના પશુચિકિત્સાલયમાં જઈને બળદનો એક્સ-રે કરાવ્યો તો ખબર પડી કે ખરેખર હાર બળદના પેટમાં જ છે. આ હારની કિંમત લગભગ ૪.૭૧ લાખ રૂપિયા હતી. બળદના પેટમાંથી કુદરતી રીતે હાર કાઢવો સંભવ ન લાગતાં ડૉક્ટરોએ છેક ૧૦ દિવસની રાહ જોઈને બળદની સર્જરી કરી હતી. સર્જરી પછી બળદની હાલત સ્થિર હોવાથી ખેડૂતના પરિવારને રાહત થઈ હતી.