20 October, 2026 07:34 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ભક્તે શરીર પર ઉગાડ્યા જ્વારા
મધ્ય પ્રદેશના ઝાંસીમાં બુખરા ગામના ગોરૈયા માતાના મંદિરમાં જાનકી દેવી નામનાં એક મહિલા નવરાત્રિ દરમ્યાન એક અનોખી સાધના કરી રહ્યાં છે. જાનકી દેવી મંદિરમાં જ ચત્તાપાટ સૂઈ ગયાં છે અને તેમણે પોતાના શરીર પર ઘઉંના જ્વારા ઉગાડ્યા છે. જાનકી દેવીનું કહેવું છે કે તેમને સપનામાં માતાજીએ દર્શન આપ્યાં હતાં એટલે તેમણે માતાજીની આકરી સાધના કરવાનો સંકલ્પ લીધો હતો. ગોરૈયા માતાજીના ભક્તોનાં દર્શને આવતા લોકોમાં જાનકી દેવી આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. તેમની આ અનોખી સાધના જોવા માટે આસપાસનાં ગામોમાંથી લોકો આવી રહ્યા છે. બુંદેલખંડ ક્ષેત્રમાં દેવીની આરાધનામાં જ્વારાની પરંપરા વિશેષ મહત્ત્વ ધરાવે છે. શરીર પર જ માટીના થર બનાવીને જાનકી દેવીએ જ્વારા બનાવ્યા છે અને રોજ એને પાણી આપવામાં આવે છે. જ્વારા માટેની માટીથી શરીર ખૂબ જ ઠંડું પડી જાય છે અને એ જ સાધનાનો ભાગ છે એવું મનાય છે.
હરિયાણાના હિસારમાં રહેતા ૧૬ વર્ષના લક્ષ્ય અરોરા નામનો ટીનેજર માતાજીની અનોખી ભક્તિ માટે ચર્ચામાં છે. તેણે માતાજીના નામનો દીવો કરીને અખંડ જ્યોત હાથમાં લઈને બેસવાની સાધના કરી છે. ૯ દિવસથી ૨૪ કલાક માટે તેણે માતાજીની અખંડ જ્યોત હાથમાં રાખી હતી અને તેની આસપાસમાં લોકો ભજન-કીર્તન કરવા માટે જોડાઈ રહ્યા છે. લક્ષ્યને પ્રોત્સાહન આપવા માટે ઘરના વડીલો તો સતત સાથે છે જ અને એ ઉપરાંત આસપાસનાં બાળકો પણ આવી રહ્યાં છે. લક્ષ્યને લગભગ ૧૫૦ હરિયાણવી ભજનો મોઢે છે. જ્યારે પણ તેની આસપાસ લોકો ઓછા થઈ જાય ત્યારે તે પોતાને આવડતાં ભજનો ગાવામાં મગ્ન થઈ જાય છે.