27 February, 2026 12:59 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ભાઈ-બહેન
રાજસ્થાનના નાગૌરમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં ૯ વર્ષની દિવ્યા નામની સ્ટુડન્ટનું ગ્રાઉન્ડમાં રમતાં-રમતાં જ મૃત્યુ થઈ ગયું હતું. ૨૩ ફેબ્રુઆરીએ સવારે પોણાઆઠ વાગ્યાની આસપાસ તે ગ્રાઉન્ડમાં રમતી હતી. કઈ રીતે તે પડી ગઈ એનો વિડિયો પણ બહાર આવ્યો છે. સ્કૂલમાં પ્રાર્થના શરૂ થાય એ પહેલાં દિવ્યા દોસ્તો સાથે ગ્રાઉન્ડમાં ભાગમદોડ કરી રહી હતી. એ જ વખતે તે બેહાશ થઈને પડી ગઈ હતી. સ્કૂલના સ્ટાફે દિવ્યાને સંભાળી અને તરત હૉસ્પિટલમાં લઈ ગયા અને તેના પેરન્ટ્સને જાણ કરવામાં આવી. જોકે હૉસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં દિવ્યા મરી ચૂકી હતી. દિવ્યાના શરીર પર કોઈ જ પ્રકારની બાહ્ય ચોટ જણાઈ નહોતી. તેનું મૃત્યુ કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું હોવાનું મનાય છે. પરિવારજનોનું કહેવું છે કે દિવ્યાના મોટા ભાઈ અભિષેકનું મૃત્યુ પણ આવી જ રીતે અચાનક થયું હતું. તે ઘરે રમતો હતો ત્યારે અચાનક બેહોશ થઈ ગયો હતો. હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.