છોકરીઓને કમર અને પગ પર કાતર મારતો યુવક પકડાયો

30 May, 2026 02:29 PM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

એક કૅમેરામાં તેનો ચહેરો પણ સ્પષ્ટ થઈ જતાં પોલીસ માટે અંકિતને પકડવાનું સહેલું થઈ ગયું હતું

ઘટનાસ્થળોની આસપાસના CCTV કૅમેરા તપાસતાં ખબર પડી કે એક યુવક સ્કૂટી પર ફરે છે

ઉત્તર પ્રદેશના નોએડામાં રસ્તા પર ચાલતી કે ટૂ-વ્હીલર પર જતી છોકરીઓની કમર કે નિતંબ પર કાતર મારતા એક સિરિયલ અટૅકરની થોડા દિવસ પહેલાં અટકાયત કરવામાં આવી હતી. આ ભાઈનું નામ છે અંકિત વર્મા. ઉંમર માત્ર ૨૬ વર્ષ. મૂળ ગાઝિયાબાદનો અંકિત દિલ્હી યુનિવર્સિટીમાં ભણીને એક કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. નોએડાના ત્રણ સેક્ટરમાં છેલ્લા કેટલાક દિવસોથી લગાતાર છોકરીઓ પર ધારદાર કાતર અને છરીથી હુમલો થવાની ઘટનાઓ થતી હતી. એક જ પૅટર્નમાં થતા હુમલાને કારણે પોલીસને પણ સમજાઈ ગયું હતું કે જે હશે તે એક જ વ્યક્તિનું કામ હશે. ઘટનાસ્થળોની આસપાસના CCTV કૅમેરા તપાસતાં ખબર પડી કે એક યુવક સ્કૂટી પર ફરે છે. સૂમસામ રસ્તાઓ પર છોકરીની કમર કે નીચેના હિસ્સા પર કાતર ફેરવીને ભાગી જાય છે. એક કૅમેરામાં તેનો ચહેરો પણ સ્પષ્ટ થઈ જતાં પોલીસ માટે અંકિતને પકડવાનું સહેલું થઈ ગયું હતું. જોકે જ્યારે પોલીસે તેને પકડીને મેથીપાક ચખાડ્યો અને આવું કેમ કરતો હતો એનો ઉદ્દેશ પૂછ્યો ત્યારે તેણે પોતાનું ફ્રસ્ટ્રેશન ઠાલવ્યું હતું. અંકિતે કહ્યું હતું તેના પગ ખૂબ દૂબળાપાતળા હતા એને કારણે તેને જીન્સની અંદર પણ બે-ત્રણ લોઅર પહેરવા પડતા હતા જેથી તેના પગ થોડાક મોટા દેખાય. લોકો તેના પાતળા કાકડી જેવા પગ છોકરી જેવા છે એમ કહીને ચીડવતા હતા. તે પોતે પોતાના પગથી એટલો ફ્રસ્ટ્રેટ થઈ ચૂક્યો હતો કે તેને છોકરીઓના પાતળા પગ જોઈને ગુસ્સો થતો હતો. ત્રણ દિવસના ગાળામાં જ તેણે પાતળા પગવાળી ૬ છોકરીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે તેને કસ્ટડીમાં પણ સાઇકોલૉજિકલ રીહૅબિલિટેશન માટેની થેરપી આપવા માટે નિષ્ણાતની મદદ લેવાનું શરૂ કર્યું છે.

noida uttar pradesh offbeat news international news world news news