પોલીસની મહેરબાનીથી યુવક ત્રણ-ત્રણ લગ્ન કરવામાં સફળ

21 June, 2021 09:31 AM IST  |  Moga | Gujarati Mid-day Correspondent

એક પત્ની જ્યૉર્જિયામાં રહે છે, જ્યારે બીજી ચંડીગઢમાં અને ત્રીજી મોગામાં છે

નવદીપ સિંહ ત્રણ પત્નીઓ સાથે

મોગામાં ઇમિગ્રેશન સંચાલકનું કામ કરતા નવદીપ સિંહની એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ પત્નીઓ છે. એક પત્ની જ્યૉર્જિયામાં રહે છે, જ્યારે બીજી ચંડીગઢમાં અને ત્રીજી મોગામાં છે. વાસ્તવમાં ચંડીગઢમાં રહેતી પત્નીને શંકા જવાથી તેણે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. જોકે મોગા પોલીસ આ ત્રણ પત્નીઓના પતિ પર મહેરબાન છે.

કોર્ટ દ્વારા ચીટર પતિનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો તો નવા પાસપોર્ટ માટે તેને પોલીસે ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ આપી દીધું, જેના આધારે તેનો નવો પાસપોર્ટ બની શક્યો. બીજી પત્નીઅે પોલીસ સામે પણ ફરિયાદ નોંધાવી, પણ પત્નીને આની જાણ થતાં તેણે પાસપોર્ટમાં ગોટાળા કરવા બદલ પાસપોર્ટ ઍક્ટ હેઠળ તેના પર વધુ એક કેસ કર્યો હતો. જોકે, પતિને પોલીસ વેરિફિકેશનમાં ક્લીન-ચિટ મળી ગઈ હતી.

તેનાં પહેલાં લગ્ન ૨૦૦૬માં થયાં હતાં. ત્યાર બાદ ૨૦૧૨માં આગલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ તેનાં બીજાં લગ્ન થયાં હતાં. જોકે બીજી પત્નીને પતિનાં આગલાં લગ્ન વિશે શંકા જતાં તે તેને લઈને જ્યૉર્જિયા જતો રહ્યો અને પાછળથી પહેલી પત્નીને પણ પારિવારિક મિત્ર ગણાવીને જ્યૉર્જિયા બોલાવી લીધી. ૨૦૧૪માં નવદીપ અને તેની બીજી પત્ની મોગા પાછાં ફર્યાં ત્યારે તેને પહેલી પત્નીનું આધારકાર્ડ મળતાં તેણે પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

અદાલતે પાસપોર્ટ જપ્ત કર્યા બાદ નવદીપ સિંહે પાસપોર્ટ ખોવાયાની ફરિયાદ કરીને નવો પાસપોર્ટ બનાવડાવ્યો. આ દરમ્યાન તેણે માલેરકોટલાની એક યુવતી સાથે ત્રીજાં લગ્ન કર્યાં હતાં.

offbeat news national news punjab