10 April, 2026 06:17 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
એક વર્ષના માસૂમે ત્રણ ઇંચની જીવતી માછલી ગળી લેતાં ગળામાં ફસાઈ ગઈ
મધ્ય પ્રદેશની મહારાજા યશવંતરાવ સરકારી હૉસ્પિટલમાં નાક, કાન અને ગળાના ડિપાર્ટમેન્ટમાં એક એવો ઇમર્જન્સી કેસ આવ્યો કે વિશેષજ્ઞો પણ ગૂંચવાઈ ગયા. એક વર્ષનું બાળક રમત-રમતમાં એક જીવતી માછલી ગળી ગયું. ઘરમાં મૂકેલા ફિશ ઍક્વેરિયમની પરિવારજનો સફાઈ કરી રહ્યા હતા. એ દરમ્યાન માછલીઓને ફિશ પૉટમાંથી એક મોટા બાઉલમાં કાઢી હતી. એ વખતે આ બાળક ત્યાં આવ્યું હતું. કુતૂહલવશ તેણે હાથમાં એક માછલી પકડી લીધી અને મોં પાસે લાવતાં જ માછલી છટપટાહટમાં બાળકના મોંમાં જતી રહી. જીવતી માછલી બાળકની સ્વરપેટી પાસે જઈને અટકી ગઈ. એને કારણે બાળક શ્વાસ નહોતું લઈ શકતું અને તેના મોંમાંથી સતત લોહી વહેવા લાગ્યું. અંદર માછલી જીવતી હોવાથી એનો તરફડાટ બાળકને વધુ બેચેન બનાવી રહ્યો હતો. આ બાળકને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે ઑક્સિજનના અભાવે તેનું શરીર ભૂરું પડવા લાગ્યું હતું. નિષ્ણાતો માટે ચૅલેન્જ એ હતી કે માછલી તો મોટી હતી જ, સાથે જીવતી હોવાથી સતત ફડફડી રહી હતી. એને કારણે માછલી પકડવાનું સાધન જો આમતેમ ભટકાય તો આંતરિક નળીઓ ડૅમેજ થઈ શકે એમ હતી. જોકે ખાસ્સી જહેમત પછી ડૉક્ટરોએ માછલીને કાઢવામાં સફળતા મેળવી હતી અને બાળકનો શ્વાસ ફરી શરૂ થઈ શક્યો હતો.