ડિલિવરી ઍપ્સ પરથી મીઠાઈઓ મગાવી અને ડિલિવરી બૉયને ભેટમાં આપી દીધી

21 October, 2025 02:30 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદના એક માણસે ફૂડ અને ગ્રોસરી ડિલિવરી માટે દિવસરાત દોડાદોડ કરતા લોકોની મહેનતને બિરદાવવા માટે એક અનોખી રીત શોધી કાઢી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

હૈદરાબાદના એક માણસે ફૂડ અને ગ્રોસરી ડિલિવરી માટે દિવસરાત દોડાદોડ કરતા લોકોની મહેનતને બિરદાવવા માટે એક અનોખી રીત શોધી કાઢી. તહેવારના દિવસો હોય ત્યારે ઝેપ્ટો, બ્લિન્કિટ, સ્વિગી, બિગ બાસ્કેટ, ઝોમાટો જેવી ડિલિવરી ઍપ પર કામ વધી જતું હોય છે. લોકો તહેવાર મનાવતા હોય ત્યારે તેઓ કામ કરતા હોય છે. આ વાતે કંપનીઓએ તો તેમની કદર કરવી જ જોઈએ, પણ ગ્રાહક તરીકે આપણે પણ કૃતજ્ઞતા દાખવવી જોઈએ એવું માનતા હૈદરાબાદના એક ભાઈએ સોશ્યલ એક્સપરિમેન્ટ કરતો વિડિયો શૅર કર્યો હતો. આ ભાઈએ અલગ-અલગ ઍપ્સ પરથી મીઠાઈઓ મગાવી. ઍપ્સમાં દાવો થાય છે એમ ઝટપટ તેમને મીઠાઈઓ ડિલિવર પણ થઈ ગઈ. જોકે આ ભાઈએ એ સ્વીટનું પૅકેટ એ ડિલિવરી મૅનને જ ભેટમાં આપી દીધું. આ ઘટનાનો વિડિયો પોસ્ટ કરીને સાથે લખ્યું હતું, ‘જે જોઈએ એ તરત જ ડિલિવર કરીને આપણા ચહેરા પર ખુશી આવી જાય છે. એટલે અલગ-અલગ ઍપ્સ પરથી મીઠાઈઓ મગાવી અને એ જ હીરોને ભેટ આપી દીધી જેઓ રોજ આવી ખુશીઓ આપણને આપે છે. ’

વિડિયોમાં ડિલિવરી બૉયના ચહેરા કાં તો બ્લર કરી દેવામાં આવ્યા છે કાં સાઇડમાંથી વિડિયો લેવાયો છે જેથી એ લોકોનું પણ સન્માન જળવાય. આમ તો આ બહુ જ સારું પગલું કહેવાય, પણ કેટલાકને લાગે છે કે આવું કરવા પાછળ પણ આ ભાઈને વધુ લાઇક્સ મેળવવાની મંશા હતી એટલે એ જેન્યુઇન કામ ન જ કહેવાય.

offbeat news hyderabad national news india diwali social media