પાકિસ્તાનમાં ટૅલન્ટની કમી નથી એટલું કહેતાં જ નવી ડ્રાઇવરલેસ કાર સીધી પોલીસના વાહન સાથે અથડાઈ

02 September, 2026 12:13 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઇસ્લામાબાદમાં ઝફરે બનાવેલી ડ્રાઇવરલેસ કારનું ડેમોન્સ્ટ્રેશન યોજ્યું હતું, પરંતુ ઇન્ટરનેટ કનેક્શન ખોરવાતાં કારે નિયંત્રણ ગુમાવી પોલીસની ગાડી સાથે ટક્કર મારી હતી. ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે.

પાકિસ્તાનમાં ટૅલન્ટની કમી નથી એટલું કહેતાં જ નવી ડ્રાઇવરલેસ કાર સીધી પોલીસના વાહન સાથે અથડાઈ

ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં અનોખો પ્રયોગ કરવા જતાં ઘણી વાર ભારે ફજેતી થતી હોય છે. આવો જ એક હાસ્યાસ્પદ કિસ્સો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાંથી સામે આવ્યો છે. અહીં એક ઉત્સાહી ઇનોવેટર ઝફરે પોતે બનાવેલી ડ્રાઇવરલેસ કારનું સત્તાવાર રીતે ડેમોન્સ્ટ્રેશન (પ્રદર્શન) આયોજિત કર્યું હતું. જોકે આ ટેક્નૉલૉજીનો પાવર બતાવવા જતાં જ કારે નિયંત્રણ ગુમાવ્યું અને સીધી સામે ઊભેલી પોલીસની ગાડી સાથે જઈને અથડાઈ પડી હતી.
આ સમગ્ર ઘટના વખતે એક પત્રકાર કારની અંદર બેસીને આ ટેક્નૉલૉજીનું કવરેજ કરી રહ્યો હતો. ઇન્ટરનેટ અને સૅટેલાઇટ દ્વારા રિમોટથી કન્ટ્રોલ થતી આ કારનું સ્ટીઅરિંગ અચાનક ખોટકાઈ ગયું હતું. યોગાનુયોગ, બનાવ બન્યો એની થોડી ક્ષણો પહેલાં જ આ કાર બનાવનાર ઝફરે એવું નિવેદન આપ્યું હતું કે ‘પાકિસ્તાનમાં ટૅલન્ટની કોઈ કમી નથી’ અને એ જ ક્ષણે કાર સીધી પોલીસવૅનમાં જઈને ઘૂસી ગઈ હતી.
ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ જતાં આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. સદ્નસીબે કોઈને ઈજા થઈ નહોતી, પણ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકો આ ડ્રાઇવરલેસ કાર અને એના સર્જકની ભારે મજાક ઉડાવી રહ્યા છે.

pakistan islamabad viral videos social media offbeat news hatke news