18 January, 2026 02:35 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
જોઈ લો આ તસવીરમાં કે કઇ રીતે પેરેન્ટ્સ બાળકને સાંકળ બાંધીને લઈ જાય છે
ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક એવી વિચિત્ર અને ચિંતાજનક ત્રાસદીની ઘટનાઓ સામે આવી છે કે લોકો સમજી જ નથી શક્યા કે ખરેખર આ કોઈ કાળો જાદુ છે કે પછી કોઈ રહસ્યમય બીમારી. વાત એમ છે કે ગાઝીપુરનાં લગભગ ૧૨ ગામોમાં રહસ્યમય બીમારી ફેલાઈ છે. અહીં બાળકો જન્મે ત્યારે સ્વસ્થ હોય છે, પરંતુ જેમ-જેમ ઉંમર વધતી જાય એમ તેઓ માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ થઈ જાય છે. ફતેહુલ્લાપુર, બહાદીપુર, હરિહરપુર, હાલા, છોટી જંગપુર જેવાં ૧૨ ગામોમાં આ બીમારી ફેલાઈ છે. બાળકો સ્વસ્થ હોય છે, પરંતુ છ-બાર મહિના કે પછી બે-ત્રણ વર્ષની ઉંમરે તેમને અચાનક ખૂબ તાવ આવે છે અને પછી તેમનું શરીર-મગજ વિકસવામાં ગરબડ થઈ જાય છે. તાવ આવ્યા પછી બાળકો માનસિક રીતે દિવ્યાંગ થઈ જાય છે. કેટલાંક ઘરોમાં તો આવાં બબ્બે સંતાનો છે. ડૉક્ટરને પણ ખબર નથી પડતી કે એવો કયો વાઇરસ છે જે બાળકોને માનસિક રીતે અક્ષમ બનાવી દે છે. માનિસક અસ્વસ્થતાને કારણે માતા-પિતા બાળકોને છૂટાં નથી મૂકી શકતાં કે તેમને એકલાં નથી રાખી શકાતાં. જો એવું કરવામાં આવે તો તેઓ તોફાન મચાવે છે. આવાં બાળકો પોતાને નુકસાન ન પહોંચાડે એ માટે માતા-પિતા તેમને સાંકળ કે દોરડાથી બાધીને રાખે છે. આ બીમારી માટે ગામલોકોએ જિલ્લા-અધિકારીને પણ પત્ર લખ્યો છે. હવે તેમણે ગવર્નર આનંદીબહેન પટેલને ગુહાર લગાવી છે. રાજ્યપાલે આ મામલે ચિંતા વ્યક્ત કરીને જિલ્લાના સ્વાસ્થ્ય-વિશેષજ્ઞોને મેડિકલ ટીમ બનાવીને સિસ્ટમૅટિક તપાસ કરવાની સૂચના આપી છે.