29 March, 2026 03:00 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
દીકરા અને તેની પ્રેમિકાની એક મૂર્તિ બનાવીને નાનું મંદિર જેવું બનાવ્યું છે
તેલંગણના મહબૂબાબાદ જિલ્લામાં એક ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે. લાલુ અને સુકમા નામનું યુગલ છેલ્લાં ૨૩ વર્ષથી પોતાના દીકરાના દર રામનવમીએ સાંકેતિક લગ્ન કરાવે છે. સાંકેતિક એટલા માટે કેમ કે હવે તેમનો દીકરો હયાત નથી. એક અકસ્માતમાં અચાનક જ દીકરો ગુજરી ગયો હતો. એ પછી એકના એક દીકરાની યાદમાં પતિ-પત્નીએ જિંદગી ગુજારી નાખી છે. તેમના દીકરાનું નામ હતું રામ કોટી. જ્યારે તેનો અકસ્માત થયો એ વખતે તેની એક ગર્લફ્રેન્ડ હતી. દીકરો લગ્ન કરવા માગતો હતો, પરંતુ પ્રેમિકાના પેરન્ટ્સ તૈયાર નહોતા. દીકરાની લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી જતાં તેનાં માતા-પિતા લાલુ અને સુકમાએ રામનવમીએ તેની અધૂરી ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે દીકરા અને તેની પ્રેમિકાની એક મૂર્તિ બનાવીને નાનું મંદિર જેવું બનાવ્યું છે. દીકરાને વિદાય લીધે ૨૩ વર્ષ થઈ ગયાં છે. એમ છતાં આ યુગલ હજીયે દર વર્ષે દીકરાનાં તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવે છે.