ફ્લાઇટમાં મુસાફરે એટલી ધમાચકડી કરી કે તેને ડક્ટ ટેપથી બાંધી દેવો પડ્યો

07 September, 2026 10:01 AM IST  |  Washington DC | Gujarati Mid-day Correspondent

પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે આ માથાફરેલ મુસાફરે મદદ કરવા આવેલા નિવૃત્ત પોલીસ-ઑફિસરને બચકું ભરી લીધું હતું

બોઇંગની ફર્સ્ટ ક્લાસની સીટ પર ડક્ટ ટેપથી બંધાયેલા આ પૅસેન્જરની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટમાં ઉડ્ડયન દરમ્યાન એક માથાફરેલ મુસાફરે એવો હોબાળો મચાવ્યો કે ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું. ડૅલસથી ન્યુ યૉર્ક જઈ રહેલી ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસના સેક્શનમાં બેઠેલા એક મુસાફરે અચાનક પોતાની બાજુની સીટ પર બેઠેલા મુસાફર સાથે ગાળાગાળી અને મારપીટ શરૂ કરી દીધી હતી.

આ દરમ્યાન એક મહિલા મુસાફર વચ્ચે પડવા ગઈ તો તેના પર પણ તેણે હુમલો કરી દીધો. ફ્લાઇટ-અટેન્ડન્ટે પરિસ્થિતિને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે માથાફરેલ મુસાફર વધુ હિંસક બની ગયો હતો. આ જોઈને વિમાનમાં મુસાફરી કરી રહેલા એક નિવૃત્ત પોલીસ-અધિકારી અને અન્ય મુસાફરો તેની મદદે આવ્યા હતા.

પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે આ માથાફરેલ મુસાફરે મદદ કરવા આવેલા નિવૃત્ત પોલીસ-ઑફિસરને બચકું ભરી લીધું હતું. આખરે ક્રૂ-મેમ્બરની મદદથી મુસાફરોએ તેને પહેલાં ઝિપ-ટાઇ એટલે કે પ્લાસ્ટિકની હાથકડીથી બાંધ્યો. એમ છતાં તે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલે મુસાફરોએ આખરે ડક્ટ ટેપ મગાવીને તેને સીટ સાથે આખેઆખો મજબૂતીથી બાંધી દીધો હતો.
મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ ન પડે એટલા માટે તેના મોઢા પર ટેપ નહોતી લગાવી, પરંતુ એમ છતાં તે સતત કૂદાકૂદ કરતો હતો. આ દરમ્યાન એક મુસાફરને વિમાનનું બાલ્ટિમોર ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ ન થયું ત્યાં સુધી ૧૫ મિનિટ સુધી તે સનકી મુસાફરના ખોળામાં બેસી રહેવું પડ્યું હતું.

લૅન્ડિંગ થતાં જ ઍરપોર્ટ પોલીસે વિમાનમાં ઘૂસીને આ ઉપદ્રવી મુસાફરની અટકાયત કરી હતી. બોઇંગની ફર્સ્ટ ક્લાસની સીટ પર ડક્ટ ટેપથી બંધાયેલા આ પૅસેન્જરની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકો કહી રહ્યા છે કે હવામાં દાદાગીરી કરનારાઓને આવી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.

united states of america airlines news viral videos offbeat news international news world news news