13 February, 2025 07:01 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના પટનામાં એક વ્યક્તિએ ઝઘડો કરીને પિયર જતી રહેલી પત્નીને પરેશાન કરવા અને વેર વાળવા અનોખો રસ્તો અપનાવ્યો છે. તેણે પત્નીના નામે રજિસ્ટર થયેલી બાઇક ચલાવતી વખતે જાણીજોઈને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો જેથી પત્નીને એનો દંડ ભરવો પડે.
બિહારના પટનામાં રહેતા એક માણસનાં લગ્ન મુઝફ્ફરપુરના કાઝી મોહમ્મદપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયાં. લગ્ન સમયે કન્યાના પિતાએ વરરાજાને એક બાઇક ભેટ આપી હતી જે દીકરીના નામે રજિસ્ટર્ડ હતી. લગ્નના દોઢ મહિનામાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને પત્ની પિયર જતી રહી અને તેણે છૂટાછેડાની માગણી કરી. આ વાતથી ઉશ્કેરાઈને પતિએ જે બાઇક પત્નીના નામે રજિસ્ટર્ડ હતી એ ચલાવીને ટ્રાફિકના નિયમનો જાણીજોઈને ભંગ કરવાનું શરૂ કર્યું જેથી પત્નીએ એનો દંડ ભરવો પડે. શરૂઆતમાં પત્નીએ દંડ ભરી દીધા પછી એ વધતા જ ગયા ત્યારે તેણે પતિને ફોન કરીને બાઇક પાછી આપી દેવાનું કહ્યું, પણ પતિએ છૂટાછેડા ન થાય ત્યાં સુધી બાઇક પાછી આપવાની ના પાડી દીધી. પછી પત્નીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કહ્યું કે સાબિત કરવું પડશે કે એ બાઇક તારી પાસે નહીં પણ તારા પતિ પાસે છે અને તે એનો ઉપયોગ કરી રહ્યો છે.