આ ભાઈએ ઘરની છત પર જ નહીં, ટૉઇલેટની ફ્લશ-ટૅન્કમાં પણ છોડ વાવી દીધા છે

24 September, 2026 07:06 PM IST  |  Patana | Gujarati Mid-day Correspondent

પટનાના નરેશ અગ્રવાલે ઘરની છત અને આંગણાં બાદ બાથરૂમમાં પણ અનેક છોડ વાવી દીધા છે. સ્નેક પ્લાન્ટથી લઈને સિંગોનિયમ સુધીના છોડ વચ્ચે ફ્લશ ટૅન્કમાંથી ઊગતા પાણીમાં ઊગતા છોડે તેમના બાથરૂમને અનોખો બનાવ્યો છે.

બાથરૂમ ગાર્ડન

ઘરની બહારના આંગણ કે અગાસીને ગાર્ડનમાં ફેરવી નાખનારા ઘણા ગાર્ડનપ્રેમીઓ હશે, પરંતુ બિહારના પટનામાં રહેતા નરેશ અગ્રવાલે પોતાના ઘરના બાથરૂમમાં પણ એવું પ્લાન્ટેશન કર્યું છે કે એની તસવીરો ચર્ચાનો વિષય બની ગઈ છે. નરેશે બાથરૂમમાં જ્યાં-જ્યાં ખાલી જગ્યા દેખાઈ ત્યાં પ્લાન્ટ્સ વાવી દીધા છે. બાથરૂમની સજાવટ માટે તેમણે સ્નેક-પ્લાન્ટ, સૉન્ગ ઑફ ઇન્ડિયા, સ્પાઇર અને સિંગોનિયમ જેવાં ડ્રૉઇંગ રૂમમાં જોવા મળતા છોડ વાવ્યા છે. વાત એમ છે કે નરેશભાઈના ઘરની છત ઑલરેડી સેંકડો છોડથી ભરાઈ ચૂકી છે. એ પછી પણ તેમને ગ્રીનરી થોડીક ઓછી હોય એવું લાગતું હતું એટલે તેમણે ઘરમાં કૂડાં મૂક્યાં અને જ્યારે ઘરમાં પણ જગ્યા ખૂટી તો બાથરૂમને પણ બાકી ન રાખ્યું. બાથરૂમ અને ટૉઇલેટ કૉમન હોય એવા વૉશરૂમ એરિયામાં તેમણે માટી અને સિરામિકનાં કૂંડાં મૂક્યાં છે, પરંતુ ફ્લશ ટૅન્કના કાણામાંથી નીકળે એવો એક છોડ પણ તેમના બાથરૂમનો યુનિક પૉઇન્ટ છે. એમાં તેમણે પાણીમાં ઊગે એવા બે છોડ વાવ્યા છે. દરેક વખતે ફ્લશ કરવામાં આવે ત્યારે એ છોડનું પાણી પણ ખાલી થઈને રિપ્લેસ થઈ જાય છે. બાથરૂમમાં છોડ રાખવાથી અહીંની હવા શુદ્ધ રહે છે. પ્લાન્ટેશનનો તેમને એવો ચસકો લાગ્યો છે કે તેઓ મૉર્નિંગ વૉક માટે બહાર જાય ત્યારે યોગ્ય જગ્યાએ એક નવો છોડ વાવી દે છે. 

bihar patna news offbeat news hatke news