15 September, 2025 09:37 PM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
અહમદ શાહ અને તેનો નાનો ભાઈ ઉમર શાહ
"પીછે તો દેખો પીછે (તમારી પાછળ જુઓ)" મીમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલા પાકિસ્તાની બાળ કલાકાર અહમદ શાહે સોમવારે ૧૫ સપ્ટેમ્બરના રોજ એક દુઃખ સમાચાર શૅર કર્યા છે. પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર, અહમદે તેમના નાના ભાઈ ઉમર શાહના મૃત્યુની જાહેરાત કરી હતી. આ પોસ્ટ સાથે તેણે તેના નાના ભાઈને પરિવારનો "નાનો ચમકતો તારો" ગણાવ્યો હતો.
તેણે ચાહકોને તેની પ્રાર્થનામાં ઉમરને યાદ રાખવા પણ વિનંતી કરી
ઉમર, જે વારંવાર અહમદ સાથે ટેલિવિઝન પર આવ્યો હતો, તે જીતો પાકિસ્તાન અને એઆરવાય ડિજિટલના રમઝાન ટ્રાન્સમિશન શાન-એ-રમઝાન જેવા શોમાં એક જાણીતો ચહેરો હતો. ઘણીવાર રમતિયાળ પોશાકમાં જોવા મળતી આ પાકિસ્તાનના ભાઈઓની જોડીએ તેમની નિર્દોષતા અને મસતીભર્યા કન્ટેન્ટથી પાકિસ્તાન તેમ જ ભારત અને હિન્દી ભાષી દેશોમાં લોકોના મન જીતી લીધા હતા. દુ:ખદ સમાચારની જાહેરાત કરતા, અહમદે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મારો નાનો ચમકતો તારો આપણને છોડીને ગયો છે. કૃપા કરીને મારા ભાઈ અને પરિવારને તમારી પ્રાર્થનામાં યાદ રાખો." તેણે પોતાના ભાઈના કેટલાક ફોટા પણ શૅર કર્યા છે.
મીડિયા અહેવાલ મુજબ, શાન-એ-રમઝાન પર શાહ ભાઈઓને વારંવાર હોસ્ટ કરતા ટેલિવિઝન એન્કર વસીમ બદામીએ ખુલાસો કર્યો કે તેઓ ડૉક્ટરોના સંપર્કમાં હતા અને પુષ્ટિ આપી હતી કે ઉમરનું સોમવારે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે. શાહ પરિવાર માટે આ બીજું મોટું નુકસાન છે. નવેમ્બર 2023 માં, અહમદ અને ઉમરની સૌથી નાની બહેન, આયેશાનું પણ સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અવસાન થયું હોવાના સમાચાર હતા. અહમદે આ સમાચાર શૅર કર્યા પછી તરત જ, ચાહકો અને ઉદ્યોગના સાથીદારો તરફથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
જીતો પાકિસ્તાનના હોસ્ટ ફહાદ મુસ્તફાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે “તે ‘અવાચક’ છે કે આપણો ઉમર આપણને છોડીને ચાલ્યો ગયો છે." અહેવાલ મુજબ, ARY ડિજિટલના CEO જર્જીસ સેજાએ પણ ઉમરના અવસાન પર શોક વ્યક્ત કર્યો, સ્વીકાર્યું કે તે "હજી પણ આઘાતમાં છે". પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "અવિશ્વસનીય. શું કહેવું તે પણ ખબર નથી. અલ્લાહ તેમના પરિવારને સબર આપે." ઉમર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતો અને તે તેના ચાહકો અને ફોલોવર્સનું મનોરંજન કરવા માટે અનેક રીલ્સ અને વીડિયો પોસ્ટ કરતો હતો.
"પીછે તો દેખો પીછે” મીમથી અહમદ શાહે પ્રસિદ્ધિ મેળવી દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી. તેના આ અંદાજે તેને ભારતમાં પણ ખૂબ જ પ્રખ્યાત કર્યો હતો અને અહીંના લોકોએ તેના પર અનેક મીમ્સ પણ બનાવ્યા હતા.