12 January, 2026 12:05 PM IST | Pennsylvania | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં જૉનાથન ક્રાઇસ્ટ નામના માણસે બંધ પડેલા એક કબ્રસ્તાનમાંથી કબરો ખોદીને એમાંથી ખોપડીઓ અને હાડપિંજરના અવશેષો કાઢીને પોતાના ઘરમાં સજાવ્યાં છે. તેના ઘરના બેઝમેન્ટમાં એટલાંબધાં હાડપિંજર મળ્યાં કે એ જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ. આખો મામલો પોલીસની નજરમાં અનાયાસ જ આવી ચડ્યો હતો. થોડા દિવસ પહેલાં પોલીસને એક જૂના કબ્રસ્તાનની બહાર ખોટી રીતે પાર્ક કરેલી કાર મળી. પોલીસે એ કારની તલાશી લીધી તો પાછળની સીટ પર માણસનાં હાડકાં અને ખોપડીઓ જોવા મળ્યાં. આ કાર કોની હશે એ શોધવા તેમણે આસપાસમાં નજર દોડાવી. પોલીસની એક ટીમ કબ્રસ્તાનમાં ગઈ તો ૩૪ વર્ષનો જૉનાથન હાથમાં કોસ અને મોટો થેલો લઈને એક કબર તરફ જઈ રહ્યો હતો. તેણે ઑલરેડી બે કબરો ખોદી કાઢી હતી અને એમાંથી બે નાનાં બચ્ચાંઓનાં મમી બની ચૂકેલાં હાડપિંજર ખોપડીઓ સહિત કાઢ્યાં હતાં અને તેના ઝોળામાં એ હાડપિંજર ભરેલાં હતાં. ચોરી સાથે રંગેહાથ પકડાયેલા જૉનાથનની અરેસ્ટ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ શાંત હતો. તેણે પૂછપરછમાં એ પણ કબૂલ્યું કે તેને આ કામ ગમતું હતું એટલે તે કરતો હતો. તે અત્યાર સુધીમાં ૩૦ કબર ખોલીને એના અવશેષો ચોરી ચૂક્યો છે. તેના ઘરની તલાશી લેતાં આ હાડપિંજર મળી આવ્યાં હતાં.
પોલીસે તેની ધરપકડ તો કરી જ છે, પણ જો તેને હવે જામીન પર પણ છૂટવું હોય તો ૮.૩ કરોડ રૂપિયાનાં બૉન્ડ ભરવાં પડશે.