ચોર ગામમાંથી પાણીની પચીસ મોટર ચોરી ગયો, ગામવાળાઓએ અપીલ કરી

10 June, 2026 12:02 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

ચોરભાઈ, પ્લીઝ મોટર પાછી આપીને QR કોડ આપી દો, તમને રોકડા આપી દઈશું

રાતના અંધારામાં ચોરો ખેતરોમાં આવેલી પાણીની મોટર ઉખાડીને ગયા હતા

પંજાબના ફરીદકોટ જિલ્લાના પખી કલાં ગામમાં એક અજીબ ઘટના ઘટી. અહીં એક જ રાતમાં ચોરો ગામના તમામ લોકોની પાણીની મોટર ચોરી ગયા. રાતના અંધારામાં ચોરો ખેતરોમાં આવેલી પાણીની મોટર ઉખાડીને ગયા હતા. પાણીની મોટર ગાયબ થઈ જતાં ખેડૂતોનું ખેતીકામ અટકી પડ્યું હતું. વળી મોટર લગાવતી વખતે બહુ મોંઘી પડતી હોય છે અને એક વાર એને ઉખાડ્યા પછી ચોરો એને કબાડની દુકાનમાં સસ્તામાં જ વેચી કાઢે છે. એનાથી ચોરોને પણ ફાયદો નથી અને ખેડૂતોને તો પારાવાર નુકસાન છે. પોતાની આ પીડા ચોરો સુધી પહોંચાડવા માટે ગામવાળાઓએ ચોરોને એક ઓપન લેટર લખ્યો હતો. તેમણે એમાં અપીલ કરી હતી કે ‘ચોરભાઈ, જો તમને પૈસાની જરૂર હોય તો તમે અમારી મોટરની ચોરી ન કરો. તમારો QR કોડ અહીં ગામમાં લગાવી દો તો અમે તમામ ગામવાળા લોકો પૈસા એકત્ર કરીને તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દઈશું.’

ગામના ખેડૂત સિમરનજિત સિંહે એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વારંવાર મોટરની ચોરીથી ખૂબ નુકસાન થાય છે. ખેતરમાં પાકને સમયસર પાણી નથી મળતું એને કારણે થતા નુકસાનનો તો અંદાજ પણ લગાવી શકાય એમ નથી. વળી, નવી મોટર નાખવાનો ખર્ચ વધુ મોંઘો પડે છે. પહેલાં એકલ-દોકલ કિસ્સા બનતા હતા, પરંતુ ગયા અઠવાડિયે એક જ રાતમાં એકસાથે પચીસ મોટરો ચોરાઈ ગઈ હતી.’

પોલીસ આ ચોરોને પકડી શકતી નથી અને સરકાર પણ કોઈ ઍક્શન નથી લઈ રહી એટલે ગામવાળાઓએ ડાયરેક્ટ ચોરો સાથે જ મામલો સેટલ કરવાનો વચલો માર્ગ શોધ્યો હતો.

offbeat news punjab india national news Crime News