10 July, 2026 10:41 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
રાહુલ મિશ્રાના ‘દેવીઃ ધ ઇટર્નલ મ્યુઝ’ નામના નવા વિન્ટર ક્લેશનમાં પૅરિસના રૅમ્પ પર ભારતની જૂની દેવીની મૂર્તિઓ ચાલતી હોય એવો નજારો લાગતો હતો
તાજેતરમાં પૅરિસમાં ચાલી રહેલા પૅરિસ ફૅશન વીક ૨૦૨૬માં એક વાર ફરીથી ભારતીય ફૅશન-ડિઝાઇનરે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રાહુલ મિશ્રા નામના એક ડિઝાઇનરે ભારતની પુરાતત્ત્વ કળા અને સંસ્કૃતિનો જાદુ વેરતું કલેક્શન રજૂ કર્યું હતું. આ કલેક્શનમાં મૉડલ્સ જાણે ૨૦૦૦ વર્ષ જૂની દેવીઓ હોય એવું દેખાતું હતું. રાહુલ મિશ્રાના ‘દેવીઃ ધ ઇટર્નલ મ્યુઝ’ નામના નવા વિન્ટર ક્લેશનમાં પૅરિસના રૅમ્પ પર ભારતની જૂની દેવીની મૂર્તિઓ ચાલતી હોય એવો નજારો લાગતો હતો. ફૅશન વીકમાં માત્ર સારાં કપડાંની ડિઝાઇન પ્રેઝન્ટ કરવાની વાત નથી, એ કપડાં થકી કહાની પણ કહેવામાં આવે છે. આ કલેક્શન તૈયાર કરવા માટે રાહુલ મિશ્રાએ કોઈ નવા ફૅશન-ટ્રેન્ડનો સહારો નહોતો લીધો. તેમણે નવા ટ્રેન્ડને બદલે ઇતિહાસનાં પાનાં ઊથલાવ્યાં અને એમાંથી જે કલેક્શન તૈયાર થયું એ બિલકુલ ટાઇમ-ટ્રાવેલ જેવો અનુભવ આપતું હતું.