ચીનમાં સૅનિટરી પૅડ જેવી રેલવે-સ્ટેશનની ડિઝાઇન થઈ વાઇરલ

17 April, 2024 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટેશન બનાવનાર કંપનીનું કહેવું છે કે આ શહેર પ્લમ બ્લૉસમ્સ માટે દુનિયાભરમાં જાણીતું છે અને એથી અમે એના પરથી પ્રેરણા લીધી છે.

ચીનનું નાન્જિંગ નૉર્થ રેલવે-સ્ટેશન

ચીનમાં નાન્જિંગ નૉર્થ રેલવે-સ્ટેશનની ડિઝાઇનની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે અને આ મુદ્દે ઑનલાઇન ચર્ચાનો આરંભ પણ થયો છે. આશરે ૨૩૧ અબજ રૂપિયાના આ પ્રોજેક્ટની ડિઝાઇન જાણે એક વિશાળ સૅનિટરી પૅડ મૂક્યું હોય એવી દેખાય છે. સ્ટેશન બનાવનાર કંપનીનું કહેવું છે કે આ શહેર પ્લમ બ્લૉસમ્સ માટે દુનિયાભરમાં જાણીતું છે અને એથી અમે એના પરથી પ્રેરણા લીધી છે. જોકે લોકો આ વાત માનવા તૈયાર નથી. એક યુઝરે ટિપ્પણી કરતાં લખ્યું છે કે આ વિશાળ સૅનિટરી પૅડ છે એ કહેવું શરમજનક છે કે આ પ્લમ બ્લૉસમ્સ છે. આવી ડિઝાઇન તૈયાર કરનાર આર્કિટેક્ટ્સ સામે સવાલ કરવામાં આવી રહ્યો છે. લોકો આ ડિઝાઇન જોઈને તરત કહી રહ્યા છે કે આ સૅનિટરી પૅડ જેવું દેખાય છે તો એ આર્કિટેક્ટને સમજાતું નહીં હોય? થોડાં વર્ષ પહેલાં ચીનની રાજધાની બીજિંગમાં CCTV કૅમેરા કંપનીના મુખ્યાલયની ડિઝાઇનને લોકોએ બિગ બૉક્સર શૉર્ટ્સ નામ આપ્યું હતું.

offbeat videos offbeat news social media china