31 March, 2026 11:36 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
લગ્નપ્રસંગે મામાઓએ ભાણેજને ૧૦૦ વીઘા જમીન પણ લખી આપી હતી અને સાથે અનાજ ભરેલી ટ્રૅક્ટર-ટ્રૉલી ભેટ ધરી હતી
રાજસ્થાનના નાગોર જિલ્લાના શિવપુરા ગામમાં એક અનોખાં લગ્નની ચર્ચા થઈ રહી છે, કેમ કે આ લગ્નમાં મામાઓએ મામેરું ભરવામાં સુપર સે ઉપર કહેવાય એવી-એવી ચીજો આપી હતી. દુલ્હાને ૬ મામા છે. ઢીંગસરા ગામના મેહરિયા પરિવારે શિવપુરામાં રહેતી બહેનના દીકરા માટે જ્યારે ૬ મામાઓ કથરોટમાં રોકડા લઈને પહોંચ્યા ત્યારે હાજર લોકો ચોંકી ગયા હતા. મામેરામાં દુલ્હાને ૨.૨૧ કરોડ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. એ ઉપરાંત તેને ૧ કિલો સોનાના દાગીના અને ૧૪ કિલો ચાંદી આપવામાં આવી હતી. લગ્નપ્રસંગે મામાઓએ ભાણેજને ૧૦૦ વીઘા જમીન પણ લખી આપી હતી અને સાથે અનાજ ભરેલી ટ્રૅક્ટર-ટ્રૉલી ભેટ ધરી હતી. મામેરામાં ટ્રૅક્ટર, ટ્રૉલી, કાર અને બળદગાડા જેવાં સાધનોથી લગભગ પાંચ કિલોમીટર લાંબો કાફલો નીકળ્યો હતો. જાનમાં આવેલા દરેક મહેમાનને એક ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવ્યો હતો. મારવાડ ક્ષેત્રમાં મામારેની પરંપરાનું ખાસ મહત્ત્વ છે. જોકે આટલું ગ્રૅન્ડ મામેરું ભરાય એવું આ વિસ્તારમાં ભાગ્યે જ કોઈએ જોયું હશે.