09 November, 2026 10:10 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ડ્રગ્સ સાથે પકડાયો
રાજસ્થાનના શ્રીગંગાનગરની ઓપન જેલમાંથી આજીવન કારાવાસની સજા ભોગવતો એક કેદી જેલ-પ્રશાસનની આંખમાં ધૂળ નાખીને વિદેશ ફરી આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયપુરના ચકચારી દુષ્યંત હત્યા કેસમાં આજીવન કેદ કાપી રહેલો દીક્ષાંત કામરા ૨૦૨૫ની ૯થી ૧૩ ઑક્ટોબર દરમ્યાન પાંચ દિવસ થાઇલૅન્ડ ફરી આવ્યો હતો. આ દરમ્યાન જેલમાં તેની ગેરહાજરી હોવા છતાં નકલી હાજરી પુરાતી રહી હતી.
જોકે આ ચોંકાવનારો કિસ્સો ત્યારે બહાર આવ્યો જ્યારે ૩ નવેમ્બરે જવાહરનગર પોલીસે તેને લક્ઝરી કાર અને ૪૦ ગ્રામ અફીણ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે તેણે નરસિંહપુરા ઓપન જેલના ગાર્ડ પાબુરામ સાથે સાઠગાંઠ કરીને વિદેશની મુસાફરી કરી હતી. ઉપરાંત તે જેલમાંથી જ ડ્રગ્સની હેરાફેરીનું રૅકેટ પણ ચલાવતો હતો.