25 January, 2026 02:48 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રાજસ્થાનના બીવર જિલ્લામાં રાજિયાવાસ ગામમાં એક અનોખી અંતિમયાત્રા યોજાઈ જેમાં ગામના દરેક ઘરનો એક માણસ જોડાયો હતો. આ અંતિયાત્રા કોઈ માણસની નહીં, કૂતરાની હતી. એ કૂતરો પણ એટલો લાડલો હતો કે એને સૌ ડૉગ નહીં ડૉગ-સા જ કહેતા. રાજસ્થાનમાં માનવાચક સંબોધન માટે દરેક સંબોધનની પાછળ ‘સા’ લગાવાય છે. આ ડૉગ-સાની અંતિમયાત્રામાં આખું ગામ રડ્યું. એક કૂતરો જેને લોકો ડૉગ-સા કહીને બોલાવતા હતા એનું મૃત્યુ થઈ ગયું. ડૉગ-સા જ્યારે પણ ગામમાં કોઈનું નિધન થતું ત્યારે એ અંતિમયાત્રામાં મૂક સાક્ષી બનતો હતો. આજે એ મૂક સાક્ષીના નિધન પર ગામના દરેક ધર્મના લોકો યાત્રામાં જોડાયા હતા. એના અંતિમ સંસ્કાર માટે ચિતાની વ્યવસ્થા કરવામાં આવી. એની અર્થી ઉઠાવીને સ્મશાનમાં લઈ જવાઈ. DJ પર રામધૂન લગાવવામાં આવી. ગામના હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયોએ ભેગા મળીને આ ડૉગ-સાને ભીની આંખે અંતિમ વિદાય આપી.