16 April, 2026 01:23 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય એઆઈ
રાજસ્થાનમાં બાળકોના નામ પાડવાની બાબતમાં ખૂબ જ ઉદાસીનતા જોવા મળી છે. સ્કૂલોમાં ભણતાં બાળકોનાં નામ હજીયે જૂનીપુરાણી સ્ટાઇલનાં ઘસીટારામ, ખોજારામ જેવાં હોય છે. જોકે રાજસ્થાનના શિક્ષણ વિભાગે તાજેતરમાં ‘સાર્થક નામ અભિયાન’ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એમાં બાળકો અને તેમના પેરન્ટ્સ જૂનાં નામોની જગ્યાએ અર્થવાળું સાર્થક નામ બદલવાની પસંદગી કરી શકશે. શિક્ષણ વિભાગે ૨૯૫૦ નામોની યાદી તૈયાર કરી છે જેમાં છોકરા-છોકરીઓ બન્નેનાં નામ અને એનો મતલબ છે. આ લિસ્ટ પેરન્ટ્સને બતાવવામાં આવશે જેથી તેઓ પોતાનાં સંતાનો માટે અર્થસભર નામ પસંદ કરી શકશે. અધિકારીઓનું કહેવું છે કે અજીબોગરીબ નામોથી આજની પેઢીનાં બાળકોમાં હીનભાવના પેદા થાય છે, જ્યારે સારું અને યુનિક નામ બાળકોનો સેલ્ફ-એસ્ટીમ વધારે છે. પેરન્ટ-ટીચર મીટિંગ અને સ્કૂલ મૅનેજમેન્ટ કમિટીની મીટિંગોમાં પેરન્ટ્સને આ બાબતે જાગરૂક કરવામાં આવશે. ટીચર્સને પણ કહેવામાં આવ્યું છે કે અજીબ અને જૂના નામવાળાં બાળકોની યાદી તૈયાર કરવામાં આવે. તેમનાં નામો બદલવાની પ્રક્રિયામાં સ્કૂલ-પ્રશાસન પેરન્ટ્સને મદદ કરશે.